લંડનઃ શકમંદ ઈસ્લામિક ઝનૂની દ્વારા શનિવારની રાત્રે લંડન અંન્ડરગ્રાઉન્ડના લેટોનસ્ટોન સ્ટેશને ચાર ઈંચના ચાકુ વડે બે પુરુષ પર હુમલો કરાયાના પગલે ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર સશસ્ત્ર પેટ્રોલ્સ વધારવાની જાહેરાત કરાઈ છે. પ્રવાસીઓને ટેરર એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. પેરિસ હુમલા પછી સીરિયા પર હવાઈહુમલાનો નિર્ણય લેવાયા પછી ‘આ સીરિયા માટે છે’ તેમ કહી ઝનૂનીએ હુમલો કરતા બાળકો સહિત પ્રવાસીઓમાં ભય વ્યાપી ગયો હતો. તેને હત્યાના પ્રયાસના આરોપ સાથે સોમવારે કોર્ટમાં રજૂ કરાયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે તેઓ ચાકુથી હુમલાને ત્રાસવાદી ઘટના ગણે છે. જોકે, ૨૯ વર્ષીય હુમલાખોર મુહાયદીન માઈરના પરિવારે જણાવ્યું હતું કે તે માનસિક બીમારીથી પીડાય છે. પરિવારે ત્રણ સપ્તાહ પહેલા મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું છે. પોલીસે શકમંદને પકડવા ટેસર ગનનો ઉપયોગ કર્યો તે પહેલા ૫૬ વર્ષીય પુરુષને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાખોરને નિઃશસ્ત્ર કરવાના પ્રયાસમાં ૩૩ વર્ષીય ડેવિડ પેથર્સને પણ ગળામાં ઈજા પહોંચી હતી. મુહાયદીને લોકોને ચેતવણી આપી હતી કે ‘આ સીરિયા માટે છે અને લોહી રેડાશે.’ તેણે લોકોને પંચ મારવા શરૂ કર્યા હતા.
આ હુમલાથી ત્રાસવાદી હુમલાઓનો સામનો કરવાની પોલીસની ક્ષમતા, માનવશક્તિ અને સરંજામ હોવા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. આ હુમલાના ફૂટેજ તત્કાળ ઈન્ટરનેટ પર પ્રસરી ગયા હતા.