લંડનઃ આ વર્ષે ૨૩ ઓક્ટોબર, શનિવારે ટ્રફાલ્ગર સ્ક્વેર, વેસ્ટમિન્સ્ટર, લંડન ખાતે સાંજના ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી અનોખા દીવાળી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પ્રવેશ ફી નિઃશુલ્ક રહેશે. દીવાળીના સાચા અર્થ પર ધ્યાન કેન્દ્રિત કરનારા આ કાર્યક્રમમાં સ્વાદિષ્ટ ભારતીય આહાર, આર્ટ્સ અને ક્રાફ્ટ્સ તેમજ વિશાળ પડદા પર વિષય આધારિત મનોરંજન લોકોનું મન મોહી લેશે. લંડનના મેયર સાદિક ખાન તેમજ અન્યો દ્વારા દીવાળી અભિનંદનો પણ પાઠવવામાં આવશે.
લંડન તેમજ બહારના કળાકારો દ્વારા નોંધપાત્ર પરફોર્મન્સીસ, કળા દ્વારા રામયણ કથાની પ્રસ્તુતિ, દીવાળીના ધાર્મિક પાસા, મિશેલીન સ્ટાર શેફ અતુલ કોચર દ્વારા રસોઈકળાનું ડેમોન્સ્ટ્રેશન, વિવિધ વિસ્તારોના દીવાળી ઉજવણીઓની ક્લિપ્સ, વિવિધ રંગોળી સ્પર્ધાઓ આ ઈવેન્ટની વિશેષતા બની રહેશે. પ્રકાશના પર્વ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ ત્યારે રંગોળી સ્પર્ધામાં જોડાઈ જવા લોકોને આમંત્રિત કરાયા છે. લોકોને તેમની શ્રેષ્ઠ રંગોળી ટ્રફાલ્ગર સ્ક્વેર પર લાવવા જણાવાયું છે. રંગોળીઓને ટ્રફાલ્ગર સેન્ટરના મધ્યમાં સુંદર કોલાજના નિર્માણમાં રખાશે. સ્ક્વેર પર લવાયેલી રંગોળીઓ દરેક વ્યક્તિને સાંજે પરત કરાશે અને સ્પર્ધામાં વિજેતા રંગોળીને ઈનામો પણ અપાશે.
આતશબાજી સતત બીજા વર્ષે પણ રદ
થેમ્સ નદી પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાતો દિલધડક આતશબાજીનો કાર્યક્રમ કોરોના વાઈરસ મહામારીએ સર્જેલી અનિશ્ચિતતાના કારણે આ વર્ષે પણ રદ કરાયો છે. સતત બીજા વર્ષે કાર્યક્રમ રદ કરાયો છે પરંતુ, નવા વર્ષના આગમનને ભવ્ય રીતે વધાવવા ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે વિશિષ્ટ પાર્ટી યોજવાની વિચારણા કરાઈ હતી. જોકે, હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કોવિડના ભયથી લંડનમાં આતશબાજી રદ કરવાના મેયરના નિર્ણયની ટીકા કરી છે.
જુલાઈ મહિનાથી મોટા પાયે ઈવેન્ટ્સ યોજવા પર કોઈ પ્રતિબંધ નથી છતાં, શિયાળામાં કોવિડ મુદ્દે પરિસ્થિતિથી આયોજકો કાર્યક્રમ યોજવાથી દૂર રહેવા માગે છે. લંડનના મેયર સાદિક ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘દર વર્ષની માફક લંડન આ વર્ષે પણ નવા વર્ષના આગમનને વધાવશે. કોવિડ-૧૯ મહામારીથી સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે આપણી નવા વર્ષની પૂર્વસંધ્યાની વિશ્વપ્રસિદ્ધ આતશબાજી થેમ્સ નદીના તટે યોજાશે નહિ. ગયા વર્ષે અલગ રીતે ઉજવણી કરાઈ હતી અને આ વર્ષે પણ ઘણા રોમાંચક વિકલ્પો વિચારાઈ રહ્યા છે. આ વર્ષની ઉજવણીની વિગતો ટુંક સમયમાં જાહેર કરી દેવાશે.’
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કોવિડના ભયથી રાજધાનીમાં ભવ્ય આતશબાજી રદ કરવાના મેયર ખાનના નિર્ણયની આકરી ટીકા કરી હતી. જાવિદે કહ્યું હતું કે,‘ચોક્કસપણે નિર્ણય લેવાનું કામ મેયરનું છે પરંતુ, આતશબાજી કેમ થઈ ન શકે તે મને સમજાતું નથી. આ કાર્યક્રમ યોજવાનો સલામત માર્ગ પણ છે. મેયરનું ફાયરવર્ક્સ ડિસ્પ્લે છે, મને આશા છે કે તેઓ ફેરવિચારણા કરશે.’
લંડનની આતશબાજી નિહાળવા ૧૦૦,૦૦૦થી વધુ લોકો આવે છે અને વિશ્વભરમાં તેનું પ્રસારણ થાય છે. ગયા વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કોરોના લોકડાઉન નિયંત્રણોના લીધે ઈંગ્લેન્ડમાં રદ કરાયેલો આ કાર્યક્રમ લંડનના અલગ વિસ્તારમાં ડ્રોન્સના નવતર ઉપયોગ સાથે યોજાયો હતો.