ટ્રફાલ્ગર સ્ક્વેરમાં ઈદની ઉજવણી થશે

Monday 04th July 2016 05:46 EDT
 
 

લંડનઃ પવિત્ર રમજાન મહિનાના સમાપન વેળાએ ઈદની ઉજવણી નિમિત્તે લંડનના મેયર સાદિક ખાને તમામ લંડનવાસીઓને શનિવાર ૯ જુલાઈએ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં આયોજિત ઈદ ફેસ્ટિવલમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. બપોરના ૧૨.૦૦થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધીની આ ઉજવણીમાં હાજર રહેવા કોઈ પ્રવેશ ફી રખાઈ નથી. તમામ પશ્ચાદભૂ અને ધાર્મિક આસ્થા ધરાવતા હજારો લંડનવાસીઓ અને વિદેશી નાગરિકો વિશ્વભરના સંગીત અને ખાદ્યવાનગીઓનો રસાસ્વાદ માણવા તેમજ વિશેષ કાર્યક્રમોમાં હાજર રહેશે તેવી ધારણા છે.

લંડનના મેયર સાદિક ખાને લંડન અને વિશ્વભરના મુસ્લિમોને ઈદ મુબારક પાઠવતા જણાવ્યું હતું કે,‘છેલ્લા ૩૦ વર્ષોમાં આ વર્ષના રમજાનમાં સૌથી લાંબા ઉપવાસ રહ્યા હતા. લંડનના મેયર તરીકે આ મારો પ્રથમ રમજાન મહિનો હતો. લંડનની વિવિધ કોમ્યુનિટીઓને સાથે લાવવાનો મારા માટે મહાન અવસર બની રહ્યો છે. ઈયુ રેફરન્ડમ, હેટ ક્રાઈમમાં ઉછાળો અને ઈસ્તંબુલમાં કરુણાંતિકાના સંદર્ભે લંડનવાસીઓ તરીકે એકસંપ બની દોસ્તીનો હાથ લંબાવીએ તે વધુ મહત્ત્વપૂર્ણ છે. આપણા મહાન નગરના હાર્દ સમાન વૈવિધ્યતા અને સહિષ્ણુતાની ઉજવણી કરવા તમામ લંડનવાસીઓ અને નગરના મુલાકાતીઓને આ વર્ષના ઈદ ફેસ્ટિવલમાં સાથે મળી ઉજવણી કરવા હું આમંત્રણ પાઠવું છું.’

આ ઉજવણીમાં આર્ટ્સ અને ક્રાફ્ટ્સ, મેંદી, કેલિગ્રાફી, ફેસ પેઈન્ટિંગ, વિવિધ મનોરંજન સહિત લાઈવ કાર્યક્રમોનો સમાવેશ હોવાથી પરિવારો માટે આનંદનો સમય બની રહેશે. સમગ્ર લંડનમાં વિવિધ સ્થળે ઈન્ટરફેઈથ ઈફતાર પાર્ટીઓનું પણ આયોજન છે. વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોમાં મુસ્લિમ મહિલાઓની સિદ્ધિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે. ‘બજાર’ સ્ટાઈલના માર્કેટમાં વસ્ત્રો, જ્વેલરી, ઈસ્લામિક આર્ટ્સ અને હસ્તકૌશલ્યની બનાવટો, પુસ્તકોના પણ સ્ટોલ્સ જોવાં મળશે. વધુ માહિતી www.london.gov.uk/eid પરથી અને ગ્રેટર લંડન ઓથોરિટીના પબ્લિક લાયેઝન યુનિટના ફોન 020 7983 4100 પર કોલ કરવાથી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter