લંડનઃ ટ્રાન્સપોર્ટ ફોર લંડનની મોટા ભાગની સેવાઓ માટે લેવાતાં ‘pay-as-you-go’ ભાડાંનાં દર જાન્યુઆરી ૨૦૧૭થી ૨૦૨૦ના અંત સુધી યથાવત કરવાની જાહેરાત લંડનના મેયર સાદિક ખાને કરી છે. જોકે, ટ્રાવેલકાર્ડના ભાડાંમાં આ ફેરફાર લાગુ નહિ થાય. સાદિક ખાને જણાવ્યું હતું કે આના પરિણામે, સરેરાશ પરિવારને ૨૦૦ પાઉન્ડની બચત થશે. આ સેવાઓમાં ટ્યૂબ, બસ, DLR, એમિરેટ્સ એર લાઈન કેબલ કાર, સેન્ટેન્ડર સાયકલ્સ અને મોટા ભાગની ટ્રામના ભાડાંમાં ચાર વર્ષ સુધી કોઈ ફેરફાર કરાશે નહિ.
જોકે, સબર્બન ‘pay-as-you-go’ ભાડાં અથવા સ્વતંત્ર રેલ કંપનીઓ દ્વારા સંચાલિત નાની સંખ્યામાં ટ્રામ્સના ભાડાં પર કેમનો કોઈ અંકુશ ન હોવાથી તેઓ ટ્રાવેલકાર્ડ્સ માટે આવું કોઈ વચન કે ખાતરી આપી શક્યા નથી. તેમણે સરકારને મુશ્કેલીગ્રસ્ત સધર્ન રેલ દ્વારા સંચાલિત સેવાઓ સહિત રેલવે માર્ગો પર ભાડાંને સ્થગિત કરવાનું પગલું લેવા હાકલ કરી હતી.
ખાને જણાવ્યું હતું કે,‘હોદ્દો સંભાળતા પહેલા જ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ લોકભોગ્ય અને પોસાય તેવી બનાવવા ચોક્કસ પગલાં લેવાનો મેં નિર્ધાર કર્યો હતો. અને અમે હોપર ટિકિટ દાખલ કરીને મહત્ત્વના પગલાં લીધા જ છે... TfL ભાડાંને સ્થગિત કરવાના નિર્ણયથી આગામી ચાર વર્ષમાં સરેરાશ પરિવારને ૨૦૦ પાઉન્ડની બચત થશે. નાણા ફરીથી લોકોના ખિસ્સામાં આવશે તેમજ વધુ લંડનવાસીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તેમણે કહ્યું હતું કે સબર્બન રેલમાર્ગો પર પ્રવાસીઓ અસ્વીકાર્ય વિલંબ, કેન્સેલેશન્સ અને ભારે ભીડની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.લંડનના રેલપ્રવાસીઓને આગામી વર્ષે સરકાર દ્વારા વધારાયેલાં ભાડાંનો સામનો કરવો પડે તે યોગ્ય નથી. લંડનના દરેક પેસેન્જર ભાડાંને સ્થગિત કરવાનો લાભ મેળવે તે જોવાની જવાબદારી સરકારની છે.’