ઠગ મહિલા સામે રિપોર્ટરની અપીલ નિષ્ફળ

Monday 23rd February 2015 08:02 EST
 
 

લંડનઃ ઠગ મહિલા નીલમ દેસાઈનો પર્દાફાશ કરવાની અપીલમાં નિષ્ફળ અખબારી રિપોર્ટર દ્વારા કનડગત કરાતી હોવાની ફરિયાદ પોલીસે માન્ય રાખી છે. નીલમ દેસાઈ હાલ ૩૦ મહિનાની જેલની સજા કાપી રહી છે અને તેની પાસેથી જપ્ત કરી શકાય તેટલા નાણા ન હોવાથી કથિત ડેટિંગ કૌભાંડ અંગે કાનૂની કાર્યવાહી થઈ શકે તેમ ન હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું હતું.

ક્રોયડન એડવર્ટાઈઝર અખબારના રિપોર્ટર ગારેથ ડેવિસ હજારો પાઉન્ડના ડેટિંગ કૌભાંડ અંગે પ્રશ્નો પૂછી હેરાનગતિ કરતા હોવાની નીલમ દેસાઈની ફરિયાદ મેટ્રોપોલીટન પોલીસે માન્ય રાખી હતી. જ્યારે હેરેસમેન્ટ વોર્નિંગ પાછી લેવાની અખબારના ચીફ રિપોર્ટર ગારેથ ડેવિસની વિનંતીને ફગાવી દીધી હતી. રિપોર્ટરના ક્રિમિનલ રેકોર્ડ્સની તપાસ વખતે આવી વોર્નિંગ કલંક તરીકે દેખાઈ શકે છે. ડેવિસે ઈમેઈલ મારફત અને રૂબરૂ સંપર્ક કરવાથી તેમને કનડગત અને ધાકધમકીનો ભય લાગે છે તેવી ફરિયાદ નીલમ દેસાઈએ કરી હતી. આ પછી પોલીસે અખબારી કાર્યાલયની મુલાકાત લઈ વધુ સંપર્કના પ્રયાસ થાય તો ડેવિસની ધરપકડ કરવાની ધમકી આપી હતી, જેને અખબારી સ્વાતંત્ર્યના ભંગ સમાન ગણાવાઈ હતી.

નીલમ દેસાઈએ ગયા મહિને ૨૩૦,૦૦૦ પાઉન્ડના ડેટિંગ કૌભાંડની કબૂલાત કરી હતી અને હાલ ૩૦ મહિનાનો કારાવાસ ભોગવી રહી છે. ડેવિસ સાથે ફોન પર વાતચીતમાં દેસાઈએ ડેટિંગ કૌભાંડમાં પોતાની સંડોવણીનો ઈનકાર કર્યો હતો. ડેવિસે તેના ઓનલાઈન કૌભાંડ અંગે તપાસ આરંભી હતી. તેણે અન્ય ગુનાઓ માટે જામીન પર હોવાના સમયગાળામાં ઓનલાઈન કૌભાંડ આચરી બીમાર બાળક માટે નાણા ઉઘરાવવા સહિતની ઠગાઈમાં હજારો પાઉન્ડ એકત્ર કર્યા હોવાનું કહેવાય છે. અખબાર દ્વારા પર્દાફાશના પગલે ઓળખની ખોટી રજૂઆતથી ફ્રોડ આચર્યાના ગુનાની શંકાએ નીલમ દેસાઈની ગત વર્ષના એપ્રિલમાં ધરપકડ કરાઈ હતી.

ક્રોયડન એડવર્ટાઈઝરના અહેવાલ અનુસાર નીલમ દેસાઈના કૌભાંડમાં £૩૫,૫૦૦ ગુમાવનાર એક વ્યક્તિ સહિતના વિક્ટિમ્સને પોલીસે જણાવ્યું હતું કે નીલમ દેસાઈ સામે વધુ કાર્યવાહી હાથ નહિ ધરાય કારણ કે તેની પાસેથી કશું જપ્ત કરી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે ૨૦૦૯માં બેન્કરપ્ટ જાહેર કરાયા પછી નીલમ દેસાઈએ ‘નિશા પટેલ’ અને ‘રીમા વાઘેલા’ના નામથી કૌભાંડી બિઝનેસ શરૂ કર્યો હોવાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter