લંડનઃ એજવેરના આશિષ પટેલ અને વેમ્બલીમાં રહેતા તેમના પિતરાઈ પરેશ પટેલ ડાયાબિટીસ રિસર્ચ એન્ડ વેલનેસ ફાઉન્ડેશન માટે નાણા એકત્ર કરવા આગામી ૨૦મી જુલાઈએ લંડનથી પેરિસ સુધીનો ૩૦૦ માઈલનો ચાર દિવસનો બાઈક પ્રવાસ શરૂ કરશે. ગ્લોબલ એડવેન્ચર ચેલેન્જીસ દ્વારા આયોજીત રાઈડમાં ભાગ લેનારા પટેલ બંધુ ‘ટુર દ ફ્રાન્સ’ના ફિનાલે પહેલા પેરિસમાં તેમની યાત્રા પૂરી કરશે.
ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દી આશિષનું આ પ્રવાસ માટે ૧૪૭૦ પાઉન્ડ અને ચેરિટી માટે ૭૩૫ પાઉન્ડ એકત્ર કરવાનું લક્ષ્ય છે. અત્યાર સુધીમાં તેને ૭૦૦ પાઉન્ડ મળ્યા છે. તેણે કહ્યું,‘ આ ચેલેન્જ સ્વીકારવાનો અને ફાઉન્ડેશનને મદદ કરવા બદલ મને ગર્વ છે. મને ડાયાબિટીસ હોવાનું નિદાન ૨૦૧૪માં થયું હતું. ત્યારથી મેં જીવનશૈલીમાં ઘણાં ફેરફાર કર્યા હતા. એશિયન નાગરિકોમાં ટાઈપ ટુ ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોવા મળે છે. અમે બને તેટલી વધુ રકમ એકત્ર કરી શકીશું તો ચેલેન્જનો હેતુ સાર્થક થશે.’
ડનકિર્કની ખાડી પસાર કરતાં અગાઉ તેઓ કેન્ટ કન્ટ્રીસાઈડથી ડોવર જશે. તે પછી ઉત્તર ફ્રાન્સના હરિયાળા મેદાનો, માર્કેટ ટાઉન્સ વટાવીને સોમના વોર મેમોરિયલ અને કબ્રસ્તાનો વટાવીને તેઓ પેરિસ પહોંચશે.આખરે તેઓ ચેમ્પ્સ એલીસીસથી આર્ક દ ટ્રાયમ્ફ પહોંચશે. આ રૂટ પર જ તેઓ ટુર દ ફ્રાન્સના ફિનાલેમાં બાઈક ચલાવશે.
ફાઉન્ડેશનના સીઈઓ સારા બોને જણાવ્યું હતું કે આ ચેલેન્જમાં ચેરિટી માટે તેમણે અમારી સંસ્થા પસંદ કરી છે તેનાથી અમને ખૂબ આનંદ છે.