લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરન તેમની પત્ની સામન્થાના ૪૪મા જન્મદિને ગ્રેવસેન્ડમાં ગુરુદ્વારાની મુલાકાતે ગયા હતા. તેઓ અહી વૈશાખી ઉત્સવ ઉજવતાં આશરે ૩,૦૦૦ ભાવિકો સાથે સરઘસમાં પણ સામેલ થયાં હતાં. જોકે, પ્રાર્થના ચાલુ હોવાથી પ્રવચનો કરવા સામે વાંધો ઉઠાવાતાં થોડો વિવાદ પણ થયો હતો. વિવાદ શમે ત્યાં સુધી કેમરન દંપતીને મંદિરના બાજુના ખંડમાં લઈ જવાયા હતા. ટ્રેઝરી મિનિસ્ટર પ્રીતિ પટેલ અને સ્થાનિક કન્ઝર્વેટિવ ઉમેદવાર આદમ હોલોવેની સાથે તેમણે મંદિરના અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. કેમરને બીજા ખંડમાં પ્રવચન કર્યું હતું.
કેમરન દંપતીએ વૈશાખી ઉત્સવની પરંપરાને અનુસરી ચળકતાં રંગીન વસ્ત્રો પહેર્યાં હતાં. મંદિરમાં પ્રવેશતા તેમણે પગરખાં ઉતાર્યા હતા અને બન્ને સ્ત્રી અને પુરુષની અલગ લાઈનમાં સામેલ થયા હતા. તેમણે ધર્મવેદી સમક્ષ મસ્તક ઝૂકાવી પ્રાર્થના કરી હતી અને સિક્કા ધરાવ્યા હતા. વડા પ્રધાને ઓડિયન્સ સમક્ષ પ્રવચનમાં વૈશાખી ઉત્સવને શ્રદ્ધાના મહાન પ્રતીક ગણાવતા કહ્યું હતું કે, ‘હું ડાઉનિંગ સ્ટ્રીટને આ શ્રદ્ધાનો હિસ્સો બનાવવા માગતો હતો અને નંબર ૧૦ ખાતે વૈશાખી સમારંભ ઉજવણીના યજમાન તરીકે સૌપ્રથમ વડા પ્રધાન હોવાનો મને ગર્વ છે. જો હું ફરી વડા પ્રધાન બનીશ તો હું સમુદાય, રંગ અને ઉજવણીની પરંપરાને ફરી ત્યાં સ્થાન આપતો જ રહીશ. મારા સંતાનો પણ તમારી સાથે જલેબીની મજા માણવાનું ચાલુ રાખશે.’
ચૂંટણીનો માહોલ છે ત્યારે તમામ રાજકીય પક્ષો શીખ મતો માટે સંવનન કરવા આતુર રહે છે કારણ કે શીખો ચૂંટણીમાં ભાગ લેવાની સૌથી વધુ શક્યતા ધરાવતું ધાર્મિક જૂથ છે. યુકેમાં અંદાજે ૪૨૦,૦૦૦ શીખો છે. વંશીય લઘુમતી વર્ગ પરંપરાગત રીતે લેબર પાર્ટીની તરફેણ કરતો હોવાનું મનાય છે ત્યારે શીખ કોમ્યુનિટીના સભ્યોને પોતાની તરફ વાળવામાં ટોરી પાર્ટીએ પ્રયાસો કર્યા છે. વડા પ્રધાન કેમરન પહેલી વખત શીખ મંદિરની મુલાકાતે ગયા નથી. ફેબ્રુઆરીમાં તેઓ વોરવિકશાયરમાં લેમિંગ્ટન ખાતે ગુરુદ્વારા સાહિબ ટેમ્પલમાં ભક્તોને મળ્યા હતા. તેઓ ૨૦૧૩માં ભારતપ્રવાસે ગયા ત્યારે પણ અમૃતસરના સુવર્ણમંદિરની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે ૧૯૧૯માં બ્રિટિશ સૈનિકોના હાથે આશરે ૪૦૦ નાગરિકોના હત્યાકાંડ અંગે માફી માગવાની શીખ કોમ્યુનિટીની માગણી લગભગ સ્વીકારી લીધી હતી. અગાઉ, લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડ પણ પ્રચાર અભિયાન દરમિયાન શીખ મંદિરની મુલાકાતે ગયા હતા.