લંડનઃ હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (HCI-LSE)ના સહિયારા સાહસ ‘100-Foot Journey Club’ના નેજા હેઠળ ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીઓ’ વિશે ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસ.વાય. કુરેશી સાથે ઈન્ડિયા હાઉસમાં ચર્ચાનું આયોજન કર્યું હતું. વાર્તાલાપમાં LSEના ડિરેક્ટર ડો.મુકુલિકા બેનરજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ડેપ્યુટી હાઈ કમિશનર ડો. વિરેન્દર પોલે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં મોટા પાયે ચૂંટણીનું આયોજન કેવી રીતે કરાય છે તે જાણવામાં રસ ધરાવતા પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ સહિત આમંત્રિતોને આવકાર્યા હતા. ‘100-Foot Journey Club’ દ્વારા આ બીજો કાર્યક્રમ હતો. પ્રથમ કાર્યક્રમમાં ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર ડો. રઘુરામ રાજને LSE ખાતે ‘રિથિન્કિંગ ધ ગ્લોબલ મોનેટરી સિસ્ટમ’ વિશે પ્રવચન આપ્યું હતું.
ડો.મુકુલિકા બેનરજી સાથે વાતચીતમાં ડો. કુરેશીએ ભારતના ચૂંટણી પંચ, ચૂંટણીપ્રક્રિયા અને કાર્યપદ્ધતિઓ, માનવ સંસાધનોનો ઉપયોગ, ઈલેક્ટ્રિક વોટિંગ મશીનોની સફળતા તેમજ ગંભીર અને રસપ્રદ વિશ્લેષણ દ્વારા ભારતમાં ચૂંટણીના પડકારો અને અવરોધો વિશે સમજ આપી હતી.