લંડનઃ ભારતીય બંધારણના આલેખક ડો. બાબાસાહેબ આંબેડકરને ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે ઇન્ડિયા હાઉસ સ્થિત ભારતીય હાઇ કમિશનમાં ભાવભીની આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય હાઇ કમિશનર શ્રીમતી ગાયત્રી કુમાર ઇસ્સર તેમજ અન્ય રાજદ્વારીઓ અને કોમ્યુનિટી અગ્રણીઓએ ભારતરત્ન ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
બાબાસાહેબ નામથી વધુ જાણીતા ડો. ભીમરાવ રામજી આંબેડકર સાહેબનો જન્મ મધ્ય પ્રદેશના મહુ ખાતે ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ થયો હતો. તેઓ પરિવારમાં ૧૪મા સંતાન હતા. તેમણે મુંબઈની એલ્ફીન્સ્ટન હાઈ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પસાર કરી બોમ્બે યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને પોલિટીકલ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને બરોડા સ્ટેટમાં નોકરીએ લાગ્યા હતા. બરોડા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ત્રણ વર્ષ માટે યુએસમાં અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ આપી હતી. તેમણે કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી જૂન ૧૯૧૫માં ઈકોનોમિક્સ, સોશિયોલોજી, ઇતિહાસ, ફીલોસોફી અને એન્થ્રોપોલોજીના વિષયો સાથે એમ.એ. પાસ કર્યું હતું. આ પછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ઈકોનોમિક્સમાં ડોક્ટરેટ કર્યું હતું.
ડો. આંબેડકરે પ્રાથમિક કારકીર્દિ અર્થશાસ્ત્રી, પ્રોફેસર અને વકીલ તરીકે કરી હતી અને તેમની નિમણૂક બોમ્બેની સરકારી લો કોલેજમાં આચાર્ય તરીકે થઈ હતી. ડો.આંબેડકરે ભારતીય રાજકારણ અને સમાજ સુધારણામાં સક્રિય થઇ સામાજિક અને આર્થિક રીતે વંચિતોને શિક્ષિત અને સંગઠિત થવા હાકલ કરી હતી. તેમણે ૧૯૩૬માં સ્વતંત્ર લેબર પાર્ટીની સ્થાપના કરી બોમ્બે સેન્ટ્રલ વિધાનસભા માટે ૧૯૩૭માં ચૂંટણી લડી હતી. ભારતની આઝાદી પછી દેશના પ્રથમ કાયદાપ્રધાન બનવા સાથે તેમણે ભારતના નવા બંધારણના આલેખન માટે રચાયેલી બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે પણ કામગીરી બજાવી હતી.
ડો. આંબેડકરને ૧૯૯૦માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નની મરણોત્તર નવાજેશ કરાઈ હતી. ડો. આંબેડકર લંડનમાં અભ્યાસકાળમાં વિદ્યાર્થી તરીકે રહેતા હતા તે ૧૦, કિંગ હેનરી રોડ, લંડનનું મકાન મહારાષ્ટ્ર સરકારે ખરીદી લીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર ૨૦૧૫માં એક સંગ્રહાલય તરીકે તેનું ઉદઘાટન કર્યું હતું.