લંડનઃ ભારતીય બંધારણના આલેખક ડો. ભીમરાવ આંબેડકરની ૬૧મી પૂણ્યતિથિ નિમિત્તે લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૧૦ કિંગ હેન્રી’સ રોડસ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ ખાતે પણ તેમના સ્મરણમાં સમારંભ યોજાયો હતો.
ભારતીય હાઈ કમિશન દ્વારા કમિશન્ડ કરાયેલા ડો. આંબેડકરના તૈલચિત્રનું અનાવરણ લંડનના ગ્રેસ ઈન ખાતે કરાયું હતું. ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજ્યકક્ષાના પ્રધાને ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રેરણાદાયી જીવન તેમજ ભારતીય સમાજના તમામ વિભાગો માટે તેની પ્રસ્તુતતા વિશે વિડિયો સંદેશ પાઠવ્યો હતો. ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ કે પટનાયકે ડો. આંબેડકર મેમોરિયલ લેક્ચરના ‘પાવર ઓફ ચેન્જ’ નામે પ્રથમ લેક્ચર આપ્યું હતું. આ પછી, ખ્યાતનામ બ્રિટિશ આર્ટિસ્ટ મિસ હેઝલ મોર્ગન દ્વારા પેઈન્ટ કરાયેલા ડો. બી.આર. આંબેડકરના પોટ્રેટનું લાર્જ પેન્શન રુમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.