લંડનઃ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન દ્વારા તેના વાર્ષિક ગ્રેજ્યુએશન સમારંભમાં સન માર્ક લિમિટેડના ચેરમેન ડો. રેમી રેન્જર CBEને ઓનરરી ડોક્ટર ઓફ લેટર્સ ((Hon DLitt) ડીગ્રી એનાયત કરાઈ હતી. વિશાળ વેમ્બલી સ્ટેડિયમમાં ૨૧ જુલાઈએ આયોજિત સમારંભમાં ડો. રેમી રેન્જરને બિઝનેસ, ફિલાન્થ્રોપી અને બ્રિટનમાં સામાજિક સુમેળને પ્રોત્સાહિત કરવાની સેવાની કદરરુપે યુનિવર્સિટીના ચાન્સેલર મિ. લોરેન્સ ગેલર CBE અને વાઈસ ચાન્સેલર પ્રોફેસર પીટર જ્હોનના હસ્તે આ માનદ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
ડિરેક્ટર ઓફ ડેવલપમેન્ટ એન્ડ એલુમ્ની રીલેશન્સ મિસ લુના સિધુએ પ્રશસ્તિપત્રનું વાચન કર્યું હતું. પ્રશસ્તિપત્રમાં જણાવાયું હતું કે,‘રેમી તરીકે ઓળખાતા શ્રી રમિન્દર રેન્જર CBE એવી વ્યક્તિ છે, જેમણે બિઝનેસ સહિત તમામ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા હાંસલ કરવા મહાન અવરોધોને અવગણ્યા છે. રેમીનું જીવન નવવિભાજિત ભારતના શરણાર્થી છાવણીમાં શરુ થયું હતું. વિભાજનવિરોધી પિતાની હત્યા પછી આઠ સંતાનોના ઉછેરની જવાબદારી તેમની માતા પર આવી પડી હતી.
સારા જીવનની ખોજમાં યુકે આવેલા રેમીએ વિવિધ કામગીરી બજાવી હતી. તેમણે માત્ર બે પાઉન્ડની મૂડીથી ફ્રેઈટ ફોરવર્ડિંગ બિઝનેસ શરુ કર્યો હતો. આ બિઝનેસ સફળ થતા તેમણે સન માર્ક લિમિટેડ કંપની સ્થાપી કન્ઝ્યુમર ગુડ્ઝના સપ્લાયના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. તેમની આ કંપનીએ સતત પાંચ વખત ક્વીન્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ ઈન ઈન્ટરનેશનલ ટ્રેડ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ડો. રેમીએ અસંખ્ય એવોર્ડ્ઝ હાંસલ કર્યા છે. તેમણે પ્રિન્સ‘સ ટ્રસ્ટ, કેન્સર રિસર્ચ યુકે સહિતની ચેરિટીઝ અને યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન સહિત શૈક્ષણિક સંસ્થાઓને દાન આપ્યા છે.
ડો. રેમી રેન્જરે તેમને અને તેમના પ્રયાસોને ધ્યાનમાં લેવા બદલ યુનિવર્સિટીનો આબાર માન્યો હતો. તેમણે પોતાની માતાને સફળતાનું શ્રેય આપતા કહ્યું હતું કે તેમની તમામ પ્રવૃત્તિઓમાં સ્વમાન, સારા કાર્યના સિદ્ધાંતો, કટિબદ્ધતા, સ્વપ્નકલ્પના અને અન્યો માટે કરુણાના સિદ્ધાંતો કાર્ય કરે છે. તેમણે તમામ લોકોને આ પાંચ સિદ્ધાંત દૈનિક જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.