લંડનઃ જર્મનીની સૌથી મોટી ડોઈચ બેન્કે ચેતવણી ઉચ્ચારી છે કે બ્રેક્ઝિટના પરિણામે યુકેની ૪,૦૦૦ નોકરી ફ્રેન્કફર્ટ અથવા યુરોપિયન યુનિયનના અન્ય સ્થળોએ ખસેડી લેવાશે. ડોઈચ બેન્ક યુકેમાં ૯,૦૦૦ કર્મચારી ધરાવે છે, જેમાં લંડન સિટીમાં ૭,૦૦૦ કર્મચારી છે. યુકે ઈયુની બહાર નીકળે તે પછી બિલિયન્સ યુરોના વ્યવહારો કેવી રીતે હાથ ધરાશે તે મુદ્દે બેન્કે સ્પષ્ટતા પણ માગી છે.
ડોઈચના ચીફ રેગ્યુલેટરી ઓફિસર સિલ્વી મેથેરાટે જણાવ્યું હતું કે જો ઈયુ ક્લાયન્ટ્સસાથે કામ કરવાનું હોય તો ફ્રન્ટ ઓફિસના કર્મચારીઓ ઈયુમાં રાખવા જરુરી છે. અમારે ફ્રન્ટ ઓફિસના ૨,૦૦૦ કર્મચારી જર્મની ખસેડવા પડે કે નહિ? ૨,૦૦૦ કર્મચારી નાની સંખ્યા નથી. આ સિવાય રેગ્યુલેટર્સ ક્લાયન્ટ કામગીરીને સપોર્ટ કરતી કામગીરી ખસેડવા સૂચના આપે તો વધુ ૨,૦૦૦ નોકરી સામે પણ જોખમ ઉભું થઈ શકે છે.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડે નાણાકીય સંસ્થાઓને તેઓ ઈયુમાંથી યુકેના બહાર નીકળવા મુદ્દે શું કરવા માંગે છે તેનો ખુલાસો કરવા ૧૪ જુલાઈ સુધીની મહેતલ આપી છે. બીજી તરફ, ડોઈચ બેન્કે ગયા મહિને જ તે ૨૦૨૩માં તેનું વડુ મથક નવી લંડન ઓફિસમાં ખસેડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુકે ઈયુમાંથી બહાર નીકળે તે પછી લંડનમાંથી ખસેડવાની ફરજ પડે તેવી નોકરીઓ, ઓફિસો અને બિઝનેસીસ મેળવવા માટે ફ્રેન્કફર્ટ, પેરિસ અને ડબ્લિન સહિતના નાણાકીય કેન્દ્રો જોર લગાવી રહ્યાં છે. યુકેમાં ૨૩૨,૦૦૦ નાણાકીય સેવાની નોકરીઓને બ્રેક્ઝિટની અસર નડે તેવો અંદાજ મૂકાઈ રહ્યો છે.