લંડનઃ ડો. એલેકઝાન્ડર મૂનરો રાત્રે નિદ્રા નહિ આવવાની ફરિયાદ કરનારી વૃદ્ધ મહિલા પેશન્ટને ઊંઘની ૨૮ ઝોપિક્લોન પિલ્સ આપવા બદલ મુશ્કેલીમાં મૂકાયા છે કારણકે આ પિલ્સ પડોશીઓ શાંત રહે તે માટે અપાઈ હતી. વૃદ્ધાની ફરિયાદ હતી કે તેના પડોશીઓના શોરબકોર અને ઘોંઘાટિયા મ્યુઝિકના કારણે તેને ઊંઘ આવતી નથી. પડાશીઓ દ્વારા ફરિયાદ થતા મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ દ્વારા ડો. મૂનરો સામે સુનાવણી હાથ ધરાઈ છે.
ફેમિલી ડોક્ટરે પેશન્ટને આ ગોળીઓ ચીઠ્ઠી સાથે પડોશીઓના લેટર બોક્સીસમાં મૂકવા સલાહ આપી હતી. આ ચીઠ્ઠીમાં પડોશીઓને તેમના ડોક્ટરને બતાવી તેમના માટે વધુ પિલ્સ લખાવવાની સૂચના પણ હતી. બે ઘરમાં આ રીતે સ્લીપિંગ પિલ્સ પહોંચતા પડોશીઓએ ડોક્ટરની હન્સલો સર્જરી પર જઈ વિરોધ પ્રગટ કર્યો હતો. નાના બાળકો આ બે-ત્રણ ગોળીઓ ખાઈ લે તો જીવલેણ બની શકે તેમ હતું.
વાસ્તવમાં આ વૃદ્ધા અવારનવાર પડોશીઓના બારણા ખખડાવી તેમને પરેશાન પણ કરતી હતી. વૃદ્ધાને માનસિક તકલીફ હતી અને તેને અવાજની ભ્રમણા થતી હતી, તેમ પડોશીઓએ કહ્યું હતું. પેશન્ટના બદલે પડોશીઓને સ્લીપિંગ પિલ્સ આપવાનું ઘણું વિચિત્ર ગણાયું છે.