ડોમેસ્ટિક એબ્યુઝર્સના રજિસ્ટર માટે ડાયસ્પોરાની હાકલ

રાજધાની લંડનમાં એક વર્ષમાં ઘરેલુ હિંસાના આશરે ૧૫૦,૦૦૦ કેસ નોંધાયા

રુપાંજના દત્તા Saturday 26th August 2017 06:41 EDT
 
 

લંડનઃ ઘરેલુ હિંસા આચરનારાનું રજિસ્ટર તૈયાર કરાવવાની હાકલમાં સ્થાનિક નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. લંડન એસેમ્બલી લેબર ગ્રૂપના નેતા લેન ડુવાલ દ્વારા રાજધાની લંડનમાં ડોમેસ્ટિક એબ્યુઝનો રિપોર્ટ જાહેર કરાયા પછી આ માગણી થઈ છે. જૂન ૨૦૧૭ સુધીના એક વર્ષમાં રાજધાની લંડનમાં ઘરેલુ હિંસાના આશરે ૧૫૦,૦૦૦ કેસ નોંધાયા છે, જેમાંથી ૫,૫૬૪ કેસ એકલા બ્રેન્ટમાં જ છે. આમ છતાં, મેટ્રોપોલીટન પોલીસ દ્વારા દેખરેખ અને ટ્રેકિંગના લિસ્ટમાં ૪૦૦ અપરાધીઓનો સમાવેશ થાય છે. ૨૦૧૧ની વસ્તીગણતરી અનુસાર બ્રેન્ટમાં BAME (બ્લેક, એશિયન એન્ડ એથનિક માઈનોરિટી)ની વસ્તી ૫૯ ટકા છે જેમાંથી ૪૮ ટકાનો જન્મ યુકેની બહાર થયેલો છે. બ્રેન્ટની BAME કોમ્યુનિટીમાં ૩૩ ટકા ભારતીય, ૮ ટકા પાકિસ્તાની અને એક ટકો બાંગલાદેશી મૂળના છે. અભ્યાસ જણાવે છે કે સંસ્કૃતિના લીધે શરમજનક પરિસ્થિતિમાં મૂકાવાના કારણે બ્રિટનની સાઉથ એશિયન કોમ્યુનિટીની સ્ત્રીઓ અને બાળકોને યોગ્ય ન્યાય મળતો નથી. ઈંગ્લેન્ડ અને વેલ્સની ઘણી કાઉન્ટીઝમાં પાકિસ્તાન, બાંગલાદેશ અને ભારતની પ્રથમ પેઢીના ઈમિગ્રન્ટ પરિવારોમાં ગુનાઈત વર્તન કહેવાય તેવી બાબતો વિશે જાગૃતિનો અભાવ વધુ જણાય છે.

સ્થાનિક લંડન એસેમ્બલી મેમ્બર, નવીન શાહ AM પણ આ હાકલમાં સામેલ થયા છે. તેમણે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘ હું ડોમેસ્ટિક એબ્યુઝર્સના રજિસ્ટર માટે હિમાયતને સમર્થન કરું છું. લંડનમાં વારંવાર થતાં ગુનાઓ અટકાવવામાં આ રજિસ્ટર મહત્વના ફેરફારનું પગલું બની શકે છે. ઘરેલુ હિંસા આચરનારાને આપણે સ્પષ્ટ સંદેશો મોકલી શકીએ કે પોલીસની તેમના પર નજર છે. સમગ્ર લંડ઼નમાં ઘરેલું હિંસા કે શોષણ વધી રહ્યું છે. લોકોને આવાં કૃત્યો સામે રક્ષણ કેવી રીતે અપાય તે અંગે આપણે ગંભીર થવાની જરુર છે. સરકારે શોષણખોરો વિરુદ્ધ પગલા માટે કાયદો સુધાર્યો છે પરંતુ, તેની જોગવાઈઓ અસ્પષ્ટ છે અને ગુનાનું પુનરાવર્તન વધતું જાય છે. ડોમેસ્ટિક એબ્યુઝના ૧૦માંથી ૪ પીડિત વારંવાર ગુનાનો શિકાર બને છે. બ્રેન્ટ કાઉન્સિલે તેની ૨૦૧૫-૨૦૧૯ની યોજનામાં ડોમેસ્ટિક એબ્યુઝના સામનાને એક ગણાવ્યું છે અને તે હાંસલ કરવામાં રજિસ્ટર ફોર ઓફેન્ડર્સ મહત્ત્વનું સાધન બની રહેશે.’

બ્રેન્ટ કાઉન્સિલે ૨૦૧૯ સુધીમાં તેની પ્રાથમિકતાઓમાં ડોમેસ્ટિક વાયોલન્સમાં ઘટાડાને સ્થાન આપ્યું છે. રાજધાનીમાં ૧૦માંથી એક ગુનો ડોમેસ્ટિક એબ્યુઝનો જોવા મળે છે. લંડનમાં વર્ષ ૨૦૧૪માં ઘરેલુ શોષણના શિકારની સંખ્યા ૬૨,૫૪૮ હતી, જે ૨૦૧૬માં વધીને ૭૧,૯૨૬ થઈ છે જે ૧૫ ટકાનો વધારો સૂચવે છે. લેસ્ટરમાં તાજેતરમાં યુવા મહિલા મીરા દલાલના મોતના કિસ્સાએ ઘણા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે.

મુશ્કેલીગ્રસ્ત મહિલાઓને મદદ અને સલાહ આપતી હેરોની ‘સંગત એડવાઈઝ સેન્ટર’ સંસ્થાના કાન્તિભાઈ નાગડાએ જણાવ્યું હતું કે,‘બ્રિટિશ નાગરિક પતિઓની ચુંગાલમાં ફસાયેલી ભારતીય નાગરિક મહિલાઓની યાતના સમજવામાં અને ચોક્કસ વલણ દર્શાવવામાં ભારતીય હાઈ કમિશન નિષ્ફળ રહ્યું છે તેમ ‘સંગત એડવાઈઝ સેન્ટર’ માને છે. દર મહિને ઘરેલુ હિંસાનો શિકાર મહિલાઓ અમારો સંપર્ક સાધે છે અને મુદ્દો આગળ લઈ જવા અમને જણાવે છે. કેટલીક મહિલા માત્ર પોતાની આપવીતી જણાવી મનનો ભાર હળવો કરે છે. આ તમામને સાંભળવા અને સમજવાની જરુર છે.’

તેમણે ઉમેર્યું હતું કે,‘અમને જણાયું છે કે મોટાભાગની પીડિતાઓ તેમના વતનમાં ઓછાં ધનવાન અને ઓછાં શિક્ષિત પરિવારોમાંથી આવે છે. તેઓ પોતાનું જીવન સુખી થશે તેવા સ્વપ્નો સાથે યુકે આવે છે પરંતુ, અહીં માવડિયા, એક-બે વખત ડાઈવોર્સ લીધેલા, સેક્સ્યુઅલ અક્ષમ, બીજવર અને જીવનસાથીના બદલે માત્ર નોકરાણી ઈચ્છતા પુરુષોની બેડીઓમાં જકડાઈ જાય છે. આ મહિલાઓને શરૂઆતમાં અઢી વર્ષ અને પછી વધુ અઢી વર્ષના વિઝા અપાય છે. આ પાંચ વર્ષ પછી, દંપતી પાંચ વર્ષ સાથે રહ્યું હોય તો તેમને યુકેમાં અચોક્કસ મુદત સુધી રહેવાની પરવાનગી મળી શકે છે. અમે ઘરેલુ હિંસાની શિકાર ભારતીય નાગરિક મહિલાઓને મૌન રાખી સહન ન કરવાની સલાહ આપીએ છીએ. શારીરિક અથવા માનસિક શોષણની ફરિયાદ પોલીસ, સામાજિક સંસ્થાઓ, જીપી અથવા પીડિતાઓને મદદ આપતી સ્વૈચ્છિક સંસ્થાઓને કરવી જ જોઈએ. કોઈ પણ કારણસર, ભારત પરત ફરવાનું શક્ય ન હોય તો યુકેમાં સ્થાયી થવાની અરજી કરવી જોઈએ.’

ઈન્ડિયન લેડિઝ ઈન યુકે (ILUK)ની માગણીઓ વિચારાશે

ભારતીય મહિલાઓના અધિકારો માટે લડત ચલાવતા ઈન્ડિયન લેડિઝ ઈન યુકે (ILUK) સહિત જૂથોની માગણી અનુસાર સ્પાઉઝલ વિઝાની વ્યવસ્થા અંગે વિચારવા બ્રિટિશ હોમ ઓફિસે ખાતરી આપી છે. ILUK દ્વારા ચેતવણી અપાઈ હતી કે તેમની સ્થિતિ યુકેમાં આવતા નોન-ઈયુ પાર્ટનરને બદતર સ્થિતિમાં મૂકાવા જેવી બને છે (https://www.asian-voice.com/Volumes/2017/12-August-2017/UK%27S-ABANDONED-INDIAN-WIVES). આ જૂથે ૧૬ ઓગસ્ટે હોમ ઓફિસના વડા મથક લુનાર હાઉસની બહાર અહીં સ્થાયી થયેલા ભારતીય પુરુષો દ્વારા મુખ્યત્વે આર્થિક કારણોસર તરછોડી દેવાયેલી પત્નીઓને સાંભળવામાં આવે તેવી માગણીઓ ઉચ્ચારી હતી. મોટા ભાગની પત્નીઓ શારીરિક અથવા માનસિક યાતનાઓનો શિકાર બનેલી છે. ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ આ જૂથને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.

હોમ ઓફિસે નિવેદનમાં લગ્ન અથવા અન્ય સંબંધોમાં શોષણ ચલાવી નહિ લેવાય તેમ જણાવ્યું હતું. નિવેદન અનુસાર,‘આધુનિક ગુલામી, બળજબરીના લગ્ન અને ઘરેલુ હિંસા સામે પગલાં લેવાનું ચાલુ રખાશે. યુકેમાં સ્પાઉસ વિઝા પર આવેલી વ્યક્તિ ધમકીપૂર્ણ વર્તન સહિત ડોમેસ્ટિક એબ્યુઝનો શિકાર બનેલી જણાશે તો અટકાવવા પગલાં લેવાશે અને તેઓ યુકેમાં રહેવા માટે અરજી પણ કરી શકશે. સ્પાઉસ વિઝા પર દરિયાપાર ગયેલી વ્યક્તિને તરછોડવામાં આવી હશે તો તે યુકે પાછાં ફરવાની અરજી પણ કરી શકશે.’

સરકારે ૨૦૧૪થી ‘ડોમેસ્ટિક વાયોલન્સ પ્રોટેક્શન ઓર્ડર્સ’ જારી કર્યા છે, જે ડોમેસ્ટિક એબ્યુઝરને ૨૮ દિવસ સુધી પીડિતાના ઘરની આસપાસ આવતા કે તેની સાથે સંપર્ક કરવા પર પ્રતિબંધ લગાવે છે. આની સાથોસાથ, ક્રિમિનલ બિહેવિયર ઓર્ડર્સ અને નિયંત્રક આદેશો પણ લવાયા હતા, જેનો ઉપયોગ અપરાધીને તેમના શિકાર નજીક જવા કે તેમનો સંપર્ક કરતા અટકાવી શકે છે. આ ઉપરાંત, ૨૦૧૪માં ડોમેસ્ટિક વાયોલન્સ ડિસ્ક્લોઝર સ્કીમ પણ દાખલ કરાઈ હતી. પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા ૨૦૦૯માં હત્યા કરાયેલી મહિલા ક્લેરહ વૂડના નામથી આ સ્કીમ ક્લેર્સ લો તરીકે પણ ઓળખાય છે. ડિસ્ક્લોઝર સ્કીમ વ્યક્તિઓને તેમના નવા કે વર્તમાન પાર્ટનર હિંસક ઈતિહાસ ધરાવે છે કે કેમ તેની પૂછપરછ કરવાનો (Right to Ask) અધિકાર આપે છે. પોલીસ આવી વિનંતી વિના પણ ‘Right to Know’ અન્વયે આવી માહિતી આપવા સક્રિયતા દાખવી શકે છે.

ડિસેમ્બર ૨૦૧૫માં coercive and controlling behaviour offenceનો અમલ શરુ કરાયો હતો, જે હેઠળ વર્તમાન અથવા પૂર્વ પાર્ટનર અથવા પરિવારના સભ્યો સામે શારીરિક હિંસા ન હોય તો પણ કાનૂની કાર્યવાહી કરી શકાય છે અને તેમાં મહત્તમ પાંચ વર્ષની સજા થઈ શકે છે. પોલીસ કાવતરાખોર અપરાધીઓ પર માહિતી એકત્ર કરી શકે અને મહિલાઓ અને બાળકોને પૂરતું રક્ષણ આપી શકે તે માટે ડુવાલના ડોમેસ્ટિક એબ્યુઝ સંબંધિત રિપોર્ટમાં સરકારને સેક્સ્યુઅલ અપરાધીઓના રજિસ્ટરની માફક જ રજિસ્ટર રાખવાની ભલામણ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter