લંડનઃ ઈલફર્ડના ૪૨ વર્ષીય ખંધાકર થાજ ઉદ્દીનને ત્રણ મહિનામાં પોતાનું મકાન વેચીને ૨,૨૦,૦૦૦ પાઉન્ડની રકમ ચૂકવવા અથવા વધુ પાંચ વર્ષનો જેલવાસ ભોગવવા તૈયાર રહેવા કોર્ટે ચેતવણી આપી હતી. જોકે, તે વધારાની સજા ભોગવે તેના અંતે પણ તેના પર આ રકમ તો લહેણી જ રહેશે. ખંધાકર થાજ ઉદ્દીનને વર્ષ ૨૦૦૩થી ૨૦૦૮ વચ્ચે હેરોઈન અને ગાંજાની આયાત કરવા બદલ ૨૦૦૯માં ૨૦ વર્ષની કેદની સજા ફરમાવાઈ હતી.
૨૦૧૦માં એક કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે ગુનાખોરી કરીને તેને ૭,૩૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમનો લાભ થયો હતો. તેની મિલ્કતોના વેચાણ દ્વારા ૩,૦૬,૦૦૦ પાઉન્ડ ઉપજ્યા હતા, જે પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ એક્ટ હેઠળ જપ્ત કરાયા હતા. તે વખતે તેણે મનોર પાર્કમાં આવેલું મકાન તેના પિતાની માલિકી અને કબજા હેઠળ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ, તેના પિતાએ દાવો પાછો ખેચી લીધા બાદ ઉદ્દીન જ તેનો એકમાત્ર માલિક હોવાનું કોર્ટે ઠેરવ્યું હતું.
નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) અને ક્રિમિનલ પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ને ઉદ્દીનને તેનું મકાન વેચીને તેની રકમની માગણી માટે જપ્તીનો આદેશ મળ્યો છે. NCAના ઈકોનોમિક ક્રાઈમ કમાન્ડના ફિલ આઈકેને જણાવ્યું હતું, ’ કોઈ ગુનેગારને જેલની સજા થાય એટલે NCAનું કામ અટકી જતું નથી. અમે કાયદાનો સંપૂર્ણ અમલ કરવા અને ગુનેગારોને આર્થિક લાભ લેતા અટકાવવા પ્રતિબદ્ધ છીએ.’