લંડનઃ વેમ્બલી હાઈ રોડ પરના સંગીત પાન હાઉસ દ્વારા પ્રતિબંધિત સિગારેટ અને તમાકુ ઉત્પાદનોનું વેચાણના કેસમાં વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટે દુકાનમાલિક જયદીપ ભરત ઠક્કરને જંગી દંડ ફટકારવા ઉપરાંત, ૧૦૦ કલાક કોમ્યુનિટી સર્વિસની સજા કરી હતી. બ્રેન્ટ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ટીમે દુકાનમાંથી ખાવા-ચાવવાની તમાકુના કુલ ૩૬૪ પેકેટ, સિગારેટના ૭૪ પેકેટ, જુદી જુદી બ્રાન્ડની ૬૭ બીડીના પેકેટ જપ્ત કર્યા હતા.
આ તમામ પર સ્વાસ્થ્ય અંગેની ચેતવણી ન હતી. ઓફિસરોને પ્રિમિયરશિપ ફૂટબોલ ક્લબના લોગો સાથેના નકલી સિગારેટ લાઈટરો મળી આવ્યા હતા. જયદીપ ઠક્કરે દુકાનમાં તમાકુના સેવનથી આરોગ્યને થતા નુક્સાન અંગે ચેતવણી દર્શાવી નહોતી.
કોર્ટે ઠક્કરને કોસ્ટના £૫૫૭ અને તેની કંપની સંગીત પાન હાઉસ લિમિટેડને £૬૦૦નો દંડ, કોસ્ટના £૫૫૭ તેમજ વિક્ટિમ સરચાર્જના £૬૦ ચૂકવવા આદેશ કર્યો હતો. ઠક્કરે દાવો કર્યો હતો કે ખાવાની તમાકુનું વેચાણ ગેરકાયદે હોવાની તેને જાણ ન હતી અને તેના માનવા મુજબ સિગારેટ પર સ્વાસ્થ્ય અંગે દર્શાવેલી ચેતવણી પૂરતી હતી. ગયા વર્ષે પણ ઠક્કરને આ ગુના માટે જ દોષિત ઠેરવાયો હતો.
બ્રેન્ટ કાઉન્સિલના વડા કાઉન્સિલર મહમ્મદ બટ્ટે જણાવ્યું હતું કે ઠક્કરે કાયદા પ્રત્યે તદ્દન લાપરવાહી દર્શાવી હતી. ઠક્કરને કરાયેલી સજાથી સ્પષ્ટ થાય છે કે કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી હતી.