લંડનઃ વસિયતનામા મારફત પોતાના નાણા અને સંપત્તિ કોને મળી શકે તેવી ઈચ્છા પ્રદર્શિત કરવામાં હવે લોકોએ પુરતું ધ્યાન આપવું પડશે. કોર્ટ ઓફ અપીલ દ્વારા અપાયેલા સીમાચિહ્ન ચુકાદાના કારણે લોકોએ વસિયત કેવી રીતે બનાવવી તેના પર ગંભીર અસર પડી શકે છે, તેવી ચેતવણી નિષ્ણાત વકીલોએ આપી છે. એક માતાએ તેની વસિયતમાં ત્યક્તા પુત્રીને કશું જ આપવાની સ્પષ્ટ મનાઈ કરવા છતાં કોર્ટે તેને એસ્ટેટમાંથી £૧૬૪,૦૦૦ આપવાનો આદેશ કર્યો છે.
મેલિટા જેક્સનનું ૨૦૦૪માં મોત થયું ત્યારે તે વસિયત દ્વારા એનિમલ ચેરિટીઝને £૫૦૦,૦૦૦ની સંપત્તિ આપતી ગઈ હતી. જોકે, આઠ વર્ષના કાનૂની યુદ્ધ પછી તેની એક માત્ર પુત્રી હીથર હોટને સંપત્તિનો ત્રીજો હિસ્સો આપવા કોર્ટે આદેશ કર્યો હતો. માતા પોતાની વસિયતમાં તેના માટે વાજબી હિસ્સો મૂકતી ગઈ ન હોવાની દલીલ કોર્ટે સ્વીકારી હતી. કોર્ટ ઓફ અપીલે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, શ્રીમતી હોટ બેનિફિટ્સ પર જીવતી હોવાંથી તેણે બાકીનું જીવન ગરીબીમાં વીતાવવું પડે તેમ છે. તે વેકેશન ગાળવા જઈ શકશે નહિ અથવા તો પોતાના સંતાનો માટે વસ્ત્રો પર ખરીદી શકે તેમ નથી.