ISઃ બ્રિટિશ ટીનેજરનો આત્મઘાતી વિસ્ફોટ
લંડનઃ માત્ર ૧૭ વર્ષની વયે જ ઈસ્લામિક સ્ટેટમાં જોડાવવા ઉત્તરીય ઈંગ્લેન્ડમાંથી ભાગેલા એક તરૂણે ઉત્તરીય ઈરાકમાં કારમાં વિસ્ફોટ કરીને પોતાને જ ફૂંકી માર્યો છે. આ આત્મઘાતી બ્રિટનનો સૌથી નાનો બોમ્બર હતો, એમ ઉગ્રવાદીઓએ તેનો ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. બ્રિટિશ મીડિયાના જણાવ્યા મુજબ અબુ યુસુફ અલ બરતાનવી નામનો આ તરૂણ ઈસ્લામિક સ્ટેટની સોશિયલ મીડિયા વેબસાઈટમાં મૂકેલા ફોટોમાં એક કાળા રંગની કાર પાસે ઊભેલો દેખાતો હતો. વેબસાઈટમાં જણાવાયું હતું કે ત્યાર પછી એ તરૂણે ઈરાકના સલાહુદ્દિન પ્રાંતમાં કાર વિસ્ફોટમાં પોતાની જાતને ઊડાડી હતી. આ તરુણ તલ્હા અસ્માલ હોવાનું મનાય છે જે માર્ચમાં યોર્કશાયરમાંથી ગયો હતો અને ઈસ્લામિક સ્ટેટમાં જોડાયો હતો, એમ તેના પરિવારે જણાવ્યું હતું.
ડો. આંબેડકરનું ઘર ભારત ખરીદશે
લંડનઃ ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર લંડનમાં ૧૯૨૧માં અભ્યાસકાળ દરમિયાન જ્યાં રહ્યા હતા તે લંડનનું ઘર ભારત ૪૦ લાખ પાઉન્ડમાં ખરીદશે. આંબેડકર કિંગ હેનરીસ રોડસ્થિત આ ઘરમાં રહેતા હતા. આ ઘર મેળવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે, તેવું ભારતીય રાજદ્વારીએ જણાવ્યું હતું. અમારા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. તેવું આંબેડકરનું ઘર મેળવવાનો નિર્ણય લેનાર મહારાષ્ટ્રના સામાજિક ન્યાય પ્રધાન રાજકુમાર બદોલેએ જણાવ્યું હતું.