લંડનઃ રાજસ્થાનના જેસલમેર ટાઉનની છોકરીઓ માટે શાળાનિર્માણનું ભંડોળ ઉભુ કરવા બ્રિટિશ-ભારતીય મહિલા તાન્યા ગોહિલ લંડનમાં ભારતીય શેરીઓમાં મળતાં સ્વાદિષ્ટ ખોરાકનું વેચાણ કરી રહ્યાં છે. તેમનું લક્ષ્ય જેસલમેરમાં શાળા બાંધવાની જમીન માટે ૨૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું છે. માલ્ટબી સ્ટ્રીટ માર્કેટમાં ‘દેવીઝ’ નામે જાણીતા સ્ટોલમાં ‘Mmmmumbai Grill’ સહિતની વાનગીઓનો સ્વાદ માણવા સ્વાદપારખુ લોકો લાઈનો લગાવી રહ્યા છે.
તાન્યા ગોહિલ કહે છે કે તેમનો જન્મ જ ‘ભારતીય રાંધળકળા પ્રત્યે બ્રિટિશ લગાવ સાથે થયો છે. જો તમારી પાસે વધેલી કરી હોય અને આગલી રાત્રે ઘણું ડ્રિન્ક લેવાયું હોય તો તમે સૌપ્રથમ કરી, ઓનિયન અને ચીઝ સાથે ટોસ્ટેડ, બટર્ડ સેન્ડવિચ બનાવવાનું પસંદ કરશો.’ ધ બોમ્બે સેન્ડવિચ શેરીઓમાં સરળતાથી પ્રાપ્ત પ્રખ્યાત અને મહત્ત્વનો ખોરાક છે.
માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સ એન્ડ ડેવલપમેન્ટનો અભ્યાસ કરનારા તાન્યા ગોહિલે બે વખત ભારતની મુલાકાત લીધી છે. તેમની પ્રથમ મુલાકાત છોકરીઓની શિક્ષણ સંસ્થાને મદદ કરવા માટે હતી, જ્યારે બીજી મુલાકાતમાં તેમણે શેરીઓમાં મળતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.
તેઓ કહે છે કે, ‘દરેક વીકએન્ડ પર મારી સામગ્રી વેચાઈ જાય છે, જેની મને જરા પણ અપેક્ષા ન હતી. સાઉથ લંડનની આસપાસની પબ્સમાં પણ વેચાણ માટે મારો સંપર્ક કરાયો છે, પરંતુ હું પહોંચી વળતી નથી.’ મિસ ગોહિલને આશા છે કે તેમના પ્રયાસો ભારતમાં સાચુ પરિવર્તન લાવવામાં મદદરુપ બનશે. તેઓ કહે છે કે, ‘આ વાત માત્ર છોકરીઓના શિક્ષણની વાત નથી. જે પરિવર્તન લાવવાની જરુર છે તેના વિશે છોકરાઓ અને પુરુષોને પણ શિક્ષિત કરવાની વાત છે. અને પરિવર્તનનો આરંભ શિક્ષણથી જ થાય છે.’