લંડનઃ યુકેમાં રહેતા તારાપુરવાસીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તારાપુર યુકે (TUK) દ્વારા રવિવાર, છઠ્ઠી નવેમ્બરે ફિન્ચલીની કોમ્પ્ટન સ્કૂલમાં વાર્ષિક દિવાળી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપના ૧૯૭૩માં થઈ ત્યારથી તેની સાથે સંકળાયેલા તારાપુરવાસીઓના જૂથે આ કાર્યક્રમને ટેકો આપ્યો હતો.
આ કાર્યક્રમમાં મ્યુઝિક મસ્તી, ગરબા, ડાન્સીસ, રેફલ અને સ્વાદિષ્ટ ડિનરને ઉપસ્થિત રહેલાં તમામ લોકોએ ઉત્સાહભેર માણ્યાં હતાં. સંસ્થાના બે સભ્ય- ૮૫ વર્ષના ઈશ્વરકાકા અને ૬૯ વર્ષના મહેન્દ્રભાઈએ તેમના જન્મદિનની પણ આ સાથે ઉજવણી કરવાથી પ્રસંગને ચાર ચાંદ લાગી ગયા હતા. સંસ્થાના પ્રમુખ દક્ષેશ પટેલે પોતાના સંબોધનમાં તમામ તારાપુરવાસીઓને વાર્ષિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો, જેથી તારાપુરવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓમાં સહભાગી બનતા રહીને તે ભાવિ પેઢીઓને વારસામાં આપી શકાય.
દર વર્ષની માફક તારાપુરવાસીઓ માટે આ કાર્યક્રમ નિઃશુલ્ક રખાયો હતો. ટીયુકેના સેક્રેટરીએ કહ્યું હતું કે ભવિષ્યમાં સભ્યો સાથે ઈલેક્ટ્રોનિકલી કોમ્યુનિકેશન કરવાનો કમિટીનો ઈરાદો છે. તેમણે આમંત્રણ પત્રિકા સાથે મોકલવામાં આવેલાં ફોર્મ્સ બરાબર ભરીને સંસ્થાને પરત મોકલવા સભ્યોને અનુરોધ પણ કર્યો હતો.