...... તો અનીએ શ્રીયેન સાથે લગ્ન જ કર્યાં ન હોતઃ વિનોદ હિન્ડોચા

Tuesday 10th February 2015 07:20 EST
 
 
લંડનઃ કેપ ટાઉનમાં હનીમૂન માટે ગયેલી પરંતુ મોતને ભેટેલી અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચાએ ‘અનીઃ એ ફાધર્સ સ્ટોરી’ પુસ્તકમાં હૃદયદ્રાવક કથા આલેખી છે. પોતાના જમાઈના ગુપ્ત જીવનની જાણ થઈ તે પળોનું વર્ણન આ પુસ્તકમાં કરાયું છે. લાડકી અનીને શ્રીયેનના બેવડા જાતીય જીવન વિશે જરા પણ અંદેશો હોત તો તેણે શ્રીયેન સાતે લગ્ન જ કર્યા ન હોત તેવો બળાપો વિનોદ હિન્ડોચાએ ઠાલવ્યો છે. અનીની હત્યા માટે ઝોરાઈલ મંગેની, મઝવામા ડોડા ક્વાબે અને ઝોલા ટોન્ગાને સજા કરાઈ, પરંતુ શ્રીયેનને કોર્ટે મુક્ત કર્યો તેમ જ હજુ પણ પ્રશ્નો શાથી અનુત્તર છે તે વિશે વિનોદ હિન્ડોચાએ મેઈલ ઓનલાઈનના યુએસ સંવાદદાતા શેખર ભાટિયા સાથે વાત કરી હતી. તેઓ હોમોસેક્સ્યુઆલિટીના વિરોધી નહિ હોવાની સ્પષ્ટતા પણ તેમણે કરી છે.શ્રીયેન દેવાણીએ કોર્ટમાં પોતે બાયસેક્સ્યુઅલ હોવા સાથે જર્મન માસ્ટર તરીકે ઓળખાતી વ્યક્તિ સાથે જાતીય સંબંધોનો સ્વીકાર કર્યો હતો. આ સમયે વિનોદ હિન્ડોચાનું દિલ તૂટી ગયું હતું. તેઓ લખે છે, ‘શ્રીયેન અમારાથી અને ખુદ અનીથી કશું છુપાવતો હોવાની જાણ થઈ હતી. આનાથી અમે તેના વિશે ખરેખર શું અને કેટલું જાણતા હતા તે પ્રશ્ન ઉભો થયો હતો. ૧૦ ડિસેમ્બર, ૨૦૧૦ના અખબારોની હેડલાઈન હતી કે, હું ગે (સજાતીય) નથી. અફવાઓમાં પોલીસની તપાસ સામે કદાચ શ્રીયેનનો આ જવાબ હતો. પોલીસે શ્રીયેનને આ સીધો પ્રશ્ન પૂછતા તેણે માથુ હલાવી કહ્યું હશે કે ‘અમારા હનીમૂનમાં પરિવાર શરૂ કરવા વિશેની વાત મુખ્ય હતી.’હિન્ડોચા લખે છે કે તેમણે પહેલા તો અની સાથે સુવાની શ્રીયેનની અનિચ્છા વિશે સાભળ્યું હતું. તે અનીને દૂર ધકેલતા કહેતો કે લગ્ન પહેલા સેક્સમાં તે માનતો નથી. તેની ફળદ્રુપતાની રહસ્યમય સમસ્યા પણ હતી, જેની સફળ સારવાર કર્યાનું તેણે જણાવ્યું હતું. શું પોતાની સાચી સેક્સ્યુઆલિટી છુપાવવાની આ ચાલ હતી? જો તે ગે હતો તો મને ખબર કેમ ના પડી? જોકે, કોઈ છોકરી સાથે આટલો રોમાન્સ કર્યા પછી તે છોકરીનો હાથ માગે ત્યારે છોકરીના પિતાના મનમાં આવી શંકા સૌથી છેલ્લે જ આવે.જર્મન માસ્ટર તરીકે ઓળખાતા પુરુષ વેશ્યા લીઓપોલ્ડ લેઈસર સાથેના સંબંધો અનીની હત્યા માટે જવાબદાર હોઈ શકે તેવી પોલીસની માન્યતા હતી. અશોક અને વિનોદ હિન્ડોચાને ગૂગલ પરથી જર્મન માસ્ટર વિશે તમામ આશ્ચર્યકારક માહિતી મળી હતી. શ્રીયેને તેને સેક્સના ત્રણ સેશન માટે £૧,૦૦૦ ચુકવ્યા હોવાના દાવા અંગે પોલીસની પૂછપરછના પગલે તેણે લેખિત નિવેદન આપ્યું હતું. ‘મારે કહેવાનું છે કે હોમોસેક્સ્યુઆલિટી સામે મને કોઈ વિરોધ નથી. છતાં મારા માટે આ આઘાતજનક હતું. હું ચેતવણીરૂપ નિશાનીઓ શા માટે જોઈ ના શક્યો? પુરુષ વેશ્યા સાથે સંબંધ પછી મારી લાડકી અની સાથે પથારીમાં સહભાગી થયો?’ તેમ હિન્ડોચા લખે છે.હિન્ડોચાએ પુસ્તકમાં કેપ ટાઉન હાઈ કોર્ટમાં શ્રીયેનની જુબાની લીધા વિના જ પુરાવાના અભાવે મુક્ત કરાયો તેની પણ વાત જણાવી છે. ન્યાય માટે હિન્ડોચા પરિવારે વર્ષો સુધી રાહ જોઈ, પરંતુ અનીનું મોત શા માટે અને કયા સંજોગોમાં થયું તે પ્રશ્નનો ઉત્તર હજુ મળ્યો નથી. જરૂરના સમયે તે અનીને છોડી ગયો હતો. મોર્ગમાં અનીના શબને જોવાના બદલે તે મોલમાં નવો સૂટ ખરીદવા ચાલી ગયો હતો. શ્રીયેને અની અને તેના પરિવાર સાથે કરેલી છેતરપીંડીનું કારમું દુઃખ આ પુસ્તકમાં છલકે છે. હિન્ડોચા પરિવારે સત્ય જાણવા માગ્યું હતું, જે હજી મળ્યું નથી. અનીને આ રીતે ગુમાવવી તે એક બાપની નિષ્ફળતા જ હોવાનું વિનોદ હિન્ડોચા લખે છે. ‘અનીઃ એ ફાધર્સ સ્ટોરી’ પુસ્તક મિરર બુક્સ દ્વારા પ્રકાશિત કરાયું છે, જેની કિંમત £૯.૯૯ છે. આ પુસ્તકના વેચાણમાંથી મળનારી આવક ‘અની’સ મેમોરિયલ ફંડ’ ચેરિટીને દાનમાં આપવાની જાહેરાત હિન્ડોચા પરિવારે કરી છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter