લંડનઃ મેલબોર્નમાં ૨૫ એપ્રિલના એન્ઝેક ડેના દિવસે ત્રાસવાદી હુમલાની યોજનામાં મદદ કરવા સંદર્ભે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે બ્લેકબર્નના ૧૪ વર્ષીય બ્રિટિશ તરુણની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. તે ઓસ્ટ્રેલિયન સેવડેટ બેસિમના સંપર્કમાં હતો. પોલીસે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓને ત્રાસવાદી હુમલાની યોજના અંગે માહિતી આપી હતી.
ઓસ્ટ્રેલિયામાં બેસિમ સહિત છ વ્યક્તિ સામે ત્રાસવાદના ગુનાસર ચાર્જશીટ લગાવાઈ છે. એન્ઝેક ડે નિમિત્તે લંડનના હાઈડ પાર્ક કોર્નર, વ્હાઈટ હોલના સેનોટાફ અને વેસ્ટ મિન્સ્ટર એબી તેમજ યુકેમાં અન્યત્ર યોજાનારા ૫૦ જેટલા કાર્યક્રમો અંગે પણ પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત બનાવાયો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના ૧૧,૫૦૦ જવાનોના મોતની યાદગીરીમાં એન્ઝેક ડે ઉજવાય છે અને ૨૫ એપ્રિલે તેની શતાબ્દી છે.