લંડનઃ પોલીસે ઈસ્ટ મિડલેન્ડ્સમાં બોમ્બ બનાવતી શંકાસ્પદ ફેક્ટરી પર દરોડા પાડી યુકેને નિશાન બનાવવાની ઈસ્લામિક ત્રાસવાદની યોજનાને નિષ્ફળ બનાવી એક મહિલા સહિત છ વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્રાસવાદવિરોધી પોલીસ અધિકારીઓ વહેલી સવારે ડર્બી, બર્ટન અપોન ટ્રેન્ટ અને લંડનના છ સ્થળોએ દરોડા પાડવા ધસી ગયા હતા.
ઈસ્ટ મિડલેન્ડ્સમાં ત્રાસવાદની યોજના ઘડાતી હોવાની બાતમી મળતા સુરક્ષા વડાઓ દ્વારા દરોડાનો આદેશ અપાયો હતો. કાવતરાખોરોએ યુકેમાં હુમલાઓ માટે કેમિકલ્સ અને વિસ્ફોટક સામગ્રીનો જથ્થો સંગ્રહ કર્યો હોવાની શંકાએ બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાતો પણ દરોડામાં જાડાયા હતા. ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાક એન્ડ લેવાન્ટથી પ્રેરિત છ લોકોની ધરપકડને પોલીસે સમર્થન આપ્યું હતું અને તેઓ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું.