લંડનઃ ૧૨મી સદીના ભારતીય તત્વચિંતક અને લોકશાહીના વિચારના પ્રણેતા ‘બાસવેશ્વરા’ની પ્રતિમા લંડનના લેમ્બેથ બરોમાં થેમ્સ નદીના તટે ટુંક સમયમાં સ્થાપિત થવાની છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી લંડન મુલાકાત દરમિયાન આ પ્રતિમાના અનાવરણ કરે તે માટે લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલે તેમને આમંત્રણ પાઠવ્યું છે. વડા પ્રધાને આ મહાન તત્વચિંતકને આદરાંજલિ આપતા બિગ બેન અને બ્રિટિશ પાર્લામેન્ટની નજીક બાસવેશ્વરાની પ્રતિમા સ્થાપવાના પ્રયાસો બદલ બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીનો આભાર માન્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટિશ પાર્લામેન્ટની મે મહિનાની ચૂંટણી અને નવી સરકારની સ્થાપના પછી જૂન અથવા જુલાઈમાં બ્રિટનની મુલાકાત લે તેવી સંભાવના છે. આ મુલાકાત સમયે તેઓ પ્રતિમાનું અનાવરણ કરે તેવી વિનંતી ડો. પાટિલે વડા પ્રધાનને દિલ્હીમાં મળીને કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ બાસવેશ્વરાના ઉપદેશોના ચાહક છે અને તેમના પ્રત્યે ભારે આદર ધરાવે છે.
બાસવેશ્વરા (૧૧૩૪-૧૧૬૮) ૧૨મી સદીના બારતીય તત્વજ્ઞાની, સમાજસુધારક અને રાજનીતિજ્ઞ હતા, જેમણે જ્ઞાતિવિહીન સમાજની રચનાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જાત અને ધાર્મિક ભેદભાવ સામે લડત ચલાવી હતી. આ માટે તેમણે સવર્ણ કન્યાના લગ્ન નીચ વર્ણના યુવક સાથે કરવાનો મત દર્શાવ્યો હતો, જેના માટે તેમને ભારે કિંમત પણ ચુકવવી પડી હતી. તેમણે ‘અનુભવ મંતપ’ તરીકે ઓળખાતી આદર્શ સંસદની પણ રચના કરી હતી. આ પાર્લામેન્ટમાં સ્ત્રી અને પુરુષ, તમામ સામાજિક-આર્થિક પશ્ચાદભૂના લોકોને સમાન પ્રમાણમાં સ્થાન આપવામી પહેલ કરી હતી. તેમણે લોકોને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પરામર્શ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
ભારત સરકારે લોકશાહીના પ્રણેતાઓમાં એક તરીકે બાસવેશ્વરાને સન્માન્યા છે અને વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં ૨૦૦૨માં તેમની યાદમાં ભારતીય સંસદમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સરકારે બાસવેશ્વરાના સન્માન અને ભારતીય સમાજને તેમના પ્રદાનની કદરરૂપે સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પ પણ જારી કરેલા છે.
લેમ્બેથ એશિયન કોમ્યુનિટી પ્રતિનિધિમંડળે બાસવેશ્વરાની પ્રતિમા સ્થાપવા કરેલી રજૂઆતને સંપૂર્ણ કાઉન્સિલે ૧૯ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ સાંભળી હતી. આ સંદર્ભે ચોથી એપ્રિલ, ૨૦૧૨ના રોજ ધ લંડન બરો ઓફ લેમ્બેથના પ્લાનિંગ વિભાગ દ્વારા પ્રતિમા સ્થાપવા માટે મંજૂરી આપી હતી.
યુનાઈટેડ કિંગ્ડમના સ્ટેચ્યુઝ એક્ટ, ૧૮૫૪ અનુસાર કેબિનેટ મિનિસ્ટર ફોર કલ્ચરની પરવાનગી મેળવવી પણ ફરજિયાત રહે છે. યુનાઈટેડ કિંગ્ડમ અને બાસવેશ્વરા વચ્ચે કલ્પનાત્મક સંબંધોની વિચારણા કરી કેબિનેટ મિનિસ્ટર ફોર કલ્ચર જોન પેનરોસે થેમ્સ નદીના કાંઠે બાસવેશ્વરાની પ્રતિમા સ્થાપવાની પ્લાનિંગ એપ્લિકેશનને ૨૦૧૨ની ત્રીજી જુલાઈએ મંજૂરી આપી હતી.
બ્રિટન સાથે બાસવેશ્વરાનો સંબંધ ભાવનાત્મક છે કારણ કે તેમણે છેક ૧૨મી સદીમાં લોકશાહી, વાણીસ્વાતંત્ર્ય, તકની સમાનતા અને સહિષ્ણુતાના બ્રિટિશ મૂલ્યોનો ઉપદેશ આપ્યો હતો. બ્રિટિશ પાર્લામેન્ટના સ્પીકર જ્હોન બેર્કોએ ૨૧ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ સંસદમાં બાસવેશ્વરાને અંજલિ આપતા કહ્યું હતું કે,‘ યુનાઈટેડ કિંગ્ડમમાં જ્યારે કોઈએ પણ વિચાર્યું ન હતું તે ૧૧મી સદીમાં બાસવેશ્વરાએ સાચી લોકશાહી, માનવ અધિકાર, લૈંગિક સમાનતાનો ઇપદેશ આપવા સાથે તેના માટે લડત ચલાવી હતી તે ઘણું જ આશ્ચર્યજનક અને અસામાન્ય છે.’
બ્રિટન સાથે ભાવનાત્મક સંબંધથી સંકળાયેલી ભારતીય વિભુતિઓમાં ભગવાન બુદ્ધની પ્રતિમા પછી બીજી બાસવેશ્વરાની પ્રતિમાની સ્થાપના થશે. લંડનમાં ભારતીય નેતાઓની પ્રતિમા સ્થપાઈ છે, જેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને રબિન્દ્રનાથ ટાગોરનો સમાવેશ થાય છે.