લંડનઃ અમીરોની યુવાન દિકરીઓનું બ્રેઈનવોશ કરીને તેમને પેરન્ટ્સ વિરુદ્ધ ઉશ્કેરવાનો એક થેરાપિસ્ટ પર આરોપ મૂકવામાં આવ્યો છે. સ્વપ્નોના વિશ્લેષણ અને પ્રેતવિશ્વ સાથે સંપર્કોનો દાવો કરતી એન ક્રેગ નામની થેરાપિસ્ટ આ યુવતીઓના મનમાં એવું ઠસાવતી હતી કે તેમના બાળપણમાં પેરન્ટ્સે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. એક દાવા મુજબ તે યુવતીઓના મનમાં ઈરાદાપૂર્વક આવી ખોટી યાદો ભરતી હતી. જોકે, થેરાપિસ્ટ મિસિસ ક્રેગના વકીલોએ આરોપોનું ખંડન કર્યું છે.
કાઉન્ટેસ ઓફ કેલેડનની ૨૭ વર્ષીય પુત્રી વિક્ટોરિયા કેઝરે પેરન્ટ્સ સાથેના સંબંધો કાપી નાખ્યા તેનો કેસ હાઈકોર્ટ સમક્ષ રજૂ થયો હતો. કાઉન્ટેસ કેઝર અને શિપિંગ સામ્રાજ્યના માલિક લોર્ડ ચાર્લ્સ કેલેડને થેરાપિસ્ટ મિસિસ ક્રેગ વિરુદ્ધ સિવિલ એક્શન લઈ શકાય તે હેતુથી પોલીસ પાસેના પૂરાવા પોતાને અપાવવા માટેનો આદેશ કરવા કોર્ટને વિનંતી કરી હતી. વિક્ટોરિયા કેઝરના દાદી (નાની) લિન્ડી ટાઈસહર્સ્ટ (૭૮) કેન્સરથી પીડાય છે અને વિક્ટોરિયાને છેલ્લી વાર જોવાં માગે છે.
કાઉન્ટેસના બેરિસ્ટર માર્ક જોન્સે જણાવ્યું હતું કે એક પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટરે મિસિસ ક્રેગની પદ્ધતિઓના ‘ખોફનાક પુરાવા’નો પર્દાફાશ કર્યો હતો. મિસિસ ક્રેગના અગાઉના ક્લાયન્ટ્સે ઈન્વેસ્ટિગેટર સાથે વાતચીતો કરી હતી, જેમાં એક મહિલાએ જણાવ્યું હતું, ‘ સતત દબાણ કરીને તેણે અમારું મગજ એટલું બધું ફેરવી નાંખ્યુ હતું કે અમે તેની વાત સાચી માની લીધી હતી. અગાઉ બનેલી ઘટનાઓનો અમે ભોગ બન્યા હતા તેવું અમને જ્યાં સુધી લાગ્યું નહિ ત્યાં સુધી તેણે વાતને ફેરવી તોળીને રજૂ કરી હતી.
કમનસીબે આપણી એશિયન કોમ્યુનિટીમાં આ પ્રકારની ઘટનાઓ વધુ બનતી હોય છે. મોટાભાગે મહિલાઓનું શોષણ નાણાંકીય અને લાગણી સંબંધી હેતુઓ માટે થતું હોય છે. આ અંગે જાગૃતિ કેળવવાની જરૂર છે. મીડિયાએ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની અને આવી છેતરપિંડીની બાબતોમાં સમાજવિરોધી વલણ અપનાવવાની જરૂર છે.