લંડનઃ દંપતીઓ હવે વ્યભિચારને લગ્ન માટે મોટા જોખમ તરીકે ગણતા નથી. હવે તેમને નાણાકીય ચિંતાઓ અને તેમને લાંબો સમય અલગ રાખતાં કામના કલાકો વધુ સતાવે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા યુકે હેપીનેસ ઈન્ડેક્સના હિસ્સા તરીકે નવી મોજણી જાહેર કરાઈ છે.
આ સર્વે અનુસાર બે તૃતીઆંશ દંપતીએ જણાવ્યું હતું કે મોર્ગેજ અને અન્ય નાણાકીય ચિંતાઓ તેમને છૂટા પાડી શકે છે. ત્રણમાંથી માત્ર એક દંપતીએ વ્યભિચાર તેમના છૂટા પડવા માટેનું કારણ બની શકે તેમ કહ્યું હતું. પાંચમાંથી બે દંપતીએ કામના લાંબા કલાકો સંબંધની ગાડીને પાટા પરથી ઉતારી શકે તેમ જણાવ્યું હતું. દસમાંથી માત્ર એક દંપતીએ સેક્સલાઈફના અસંતોષને નોંધપાત્ર સમસ્યા ગણાવી હતી.