લંડનઃ વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટે ચાર મહિલા દર્દીઓ સાથે છેડતી કરી વિશ્વાસનો ભંગ કરવાના આરોપી અને મૂળ ભારતીય ડોક્ટર જસવંત રાઠોડને ૧૨ વર્ષની જેલની સજા જાહેર કરી હતી. મહિલા દર્દીઓ પર બિનજરૂરી માલીશના ગુના વેસ્ટ ઇંગ્લેન્ડના મિડલેન્ડ્ઝમાં ડોક્ટરની કેસલ મીડોઝ સર્જરીમાં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૫ દરમિયાન આચરાયા હતા. ત્રણ વર્ષની વયે પરિવાર સાથે બ્રિટન આવેલા ૬૦ વર્ષીય ડો. રાઠોડને ‘સેક્સ ઓફેન્ડર’ની યાદીમાં મૂકવા સાથે ૧૫ વર્ષ માટે સેક્સ્યુઅલ હાર્મ પ્રીવેન્શન ઓર્ડરનો હિસ્સો બનાવાયો હતો.
વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટમાં ચાલેલી સાત સપ્તાહની સુનાવણીના અંતે પાંચ બાળકોના પિતા રાઠોડ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સમાજમાં તમારા સ્થાનનો અંચળા તરીકે ઉપયોગ કરી તેના ઓઠાં હેઠળ તમે શારીરિક હુમલા કરતા હતા. મહિલાઓને બિનજરૂરી માલીશ કરી તેમની તમારા અંગત સંતોષ માટે શારીરિક છેડતી કરતા હતા એમ સજા સંભળાવતી વખતે જજ માઇકલ ચાલિનીયોરે કહ્યું હતું.
‘તમે આવું કૃત્ય કરીને દર્દીઓએ તમારામાં મૂકેલા વિશ્વાસનો ભંગ કર્યો હતો. તમારી કેટલીક ચેષ્ટાઓ તમારા ઘમંડની ડીગ્રીને દર્શાવે છે. નિશંકપણે તમે એમ જ વિચારતા હશો કે મેડિકલ વ્યવસાયમાં તમારી પ્રતિષ્ઠા તમને બચાવશે.’ એમ જજે કહ્યું હતું.
એક પેશન્ટે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેનાં હિપ્સમાં દુઃખાવાની ફરિયાદ સાથે તે ડો. રાઠોડ પાસે ગઈ હતી અને તેની સાથે અયોગ્ય વર્તન કરાયું હતું. સાત સપ્તાહની સુનાવણી પછી જનરલ પ્રેક્ટિશનરને છેડતી અને ૨૦થી ૩૦ વર્ષની ચાર મહિલાઓ સાથે વિના સંમતિએ સહવાસ કરવાના આરોપ મૂકાયા હતા. જોકે, અન્ય ચાર મહિલાઓ દ્વારા કરાયેલા આક્ષેપોમાંથી ડોક્ટર રાઠોડને મુક્ત કરાયા હતા.