લંડનઃ હેરોના બાળસંભાળકાર અને PACEYના સભ્ય દર્શનાબહેન મોરઝારિયા પ્રતિષ્ઠિત નર્સરી વર્લ્ડ એવોર્ડ્સ ૨૦૧૬ના ફાઈનલિસ્ટ તરીકે પસંદગી પામ્યાં છે. લિટલ ડાર્લિંગ ચાઈલ્ડકેરના દર્શનાબહેન પેરન્ટ્સને તેમના બાળકો નર્સરીમાં શું કરે છે તેની સતત માહિતી આપે છે. તેઓ ‘વર્કિંગ વિથ પેરન્ટ્સ એવોર્ડ’ના ફાઈનલિસ્ટ બન્યાં છે.
ચાઈલ્ડકેર કેલેન્ડરમાં ધ નર્સરી વર્લ્ડ એવોર્ડ્સ વિશિષ્ટ સ્થાન ધરાવે છે, જ્યાં અગાઉના વર્ષોના પ્રોફેશનલ્સ સહિત ૫૦૦થી વધુ મહાનુભાવ એવોર્ડ સમારંભમાં હાજરી આપે છે. આ વર્ષે શનિવાર ૨૪ સપ્ટેમ્બરે લંડનના ધ બ્રુઅરીમાં આયોજિત સમારંભમાં ભવ્ય ડિનર સાથે એવોર્ડ વિતરણ કરાશે.
‘વર્કિંગ વિથ પેરન્ટ્સ એવોર્ડ’ના ફાઈનલિસ્ટ દર્શનાબહેન કહે છે કે,‘આવા પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ્સના ફાઈનાલિસ્ટ બનવાનો મને રોમાંચ છે. મારાં સ્ટાફ દ્વારા લેવાતી સારસંભાળ અને પ્રયાસો તેમજ તમામ પેરન્ટ્સ પાસેથી પ્રાપ્ત રચનાત્મક સમર્થનનું આ પ્રતિબિંબ છે. દર્શનાબહેન મોરઝારિયા વિવિધ વોલન્ટરી સંસ્થાઓમાં બાળકો અને યુવાનો સાથે કામ કરવાનો ૨૦થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે ૨૦૦૯માં ઘરમાં જ ચાઈલ્ડકેર બિઝનેસ શરૂ કર્યો હતો.
નર્સરી વર્લ્ડ ચાઈલ્ડકેર અને પ્રાથમિક શિક્ષણ સેક્ટર સંબંધિત અગ્રણી પ્રકાશન છે, જે બાળકો અને તેમના પરિવાર માટે શ્રેષ્ઠ પરિણામો નિર્ધારિત કરતા ચાવીરુપ તત્વો-શિક્ષણ, સંભાળ, સપોર્ટ અને આરોગ્યને આવરી લેતાં જાહેર, ખાનગી અને વોલન્ટરી સેક્ટરો માટે ૮૫ કરતા વધુ વર્ષથી આવશ્યક સ્રોત બની રહેલ છે.