લંડનઃ રોયલ કોલેજ ઓફ સર્જન્સમાં ડેન્ટલ ફેકલ્ટીના ડીન નાઈજેલ હન્ટે બાળકોમાં દાંતના સડાની સ્થિતિ કટોકટીના બિંદુએ પહોંચી હોવાની પેરન્ટ્સને ચેતવણી આપી છે. બીજી તરફ, સ્થૂળતા અને દાંતના સડાની સમસ્યાઓ દૂર કરવા પુખ્ત વયના લોકો અને બાળકોએ ખાંડનો વપરાશ અડધોઅડધ કરી દેવા તેમજ પાસ્તા, બટાકા, આખાં ધાન, શાકભાજી અને અન્ય રેસાદાર ખોરાક લેવાનું બમણું કરવાની સલાહ વૈજ્ઞાનિક સલાહકારોએ આપી છે. લોકોએ ફળોના ખાંડ નહિ નાખેલા રસનો વપરાશ પણ મર્યાદિત કરવો જોઈએ કારણકે તેમાં કુદરતી ખાંડ હોય જ છે. દિવસમાં મહત્તમ ૧૫૦ મિલિ. જ્યુસ ખોરાકની સાથે જ લેવો જોઈએ.
વધુ ખાંડ ધરાવતા ઉભરો આવતાં પીણાં અને મીઠાઈઓ માટે પણ સિગારેટ પેકેટ પરની ચેતવણી જેવી ઈમેજ દાખલ કરવી જોઈએ તેમ ડોક્ટર હન્ટે જણાવ્યું હતું. વધુપડતી ખાંડ બાળકોનાં દાંત ખરાબ કરવા માટે કારણભૂત બને છે.
ઈંગ્લેન્ડમાં પાંચ વર્ષના લગભગ ૩૩ ટકા બાળકો દાંતના સડાથી પીડાય છે. સંખ્યા મોટી હોવાથી સડેલાં દાત દૂર કરવા એક વર્ષ જેટલી રાહ જોવી પડે છે. દર વર્ષે આશરે ૪૬,૫૦૦ બાળકો દાંત પડાવવા આવતા હોવાથી હોસ્પિટલોએ સાંજે અને વીકએન્ડ્સમાં પણ ઓપરેશન્સ કરવા પડે છે.
નવી માર્ગદર્શિકા હેઠળ લોકોએ તેમના આહારની આદતોમાં ભારે બદલાવ લાવવો પડશે. સ્થૂળતા અને દાંતના સડાની મોટી સમસ્યાઓને હલ કરવા તંદુરસ્ત આહારની સત્તાવાર વ્યાખ્યામાં ખાંડના વપરાશનું પ્રમાણ ઘટાડવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થને અનુરોધ કરાયો છે.
એનએચએસ ઈંગ્લેન્ડના ચીફ એક્ઝીક્યુટિવ મિ. સ્ટીવન્સે જંક ફૂડ્સ અને બિનઆરોગ્યપ્રદ પીણાંની કિંમતો વધારવા સુપરમાર્કેટ્સને જણાવ્યું હતું અને જો આ સ્વૈચ્છિક અમલ ન કરાય તો નિયંત્રક પગલાં લેવાની પણ ધમકી આપી હતી.