લંડનઃ ઘણી વખત આફતો પણ જીવનમાં વરદાન બની જાય છે. ત્રણ ભાઈઓએ ચહેરા પર દાઢી ઉગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા અને તેમાંથી ચહેરાના વાળની સ્ટાઈલિંગ, જાળવણી અને વૃદ્ધિ માટેની એસેસરીઝ અને ઉત્પાદનો બનાવતી બ્રાન્ડ ‘Mo Bro's’નું સર્જન થયું હતું.
મોવેમ્બર મહિનામાં પુરુષો દાઢી અને મૂછો ઉગાડતા થાય છે. આ જ મહિનો ટેસ્ટિક્યુલર અને પ્રોસ્ટેટ કેન્સર તેમજ અન્ય બાબતો માટે લોકજાગૃતિ કેળવવા માટે છે. કેટલાંક પુરુષો મૂછો ઉગાડે છે તેની સાથે દાઢી પણ વધારી ટ્રેન્ડમાં સાથ આપે છે. વાસ્તવમાં મોવેમ્બર આ ઉદ્દેશોની સાથે ઐક્ય દર્શાવવા માટે છે.
કેવલ, કુનાલ અને સાવન દત્તાણીએ ટિન્સ, તેમના ઉત્પાદનો માટેના સાધનો અને મીણ ગાળવાનું મશીન ખરીદવા ૨૫૦ પાઉન્ડ ખર્ચ્યા હતા. તેમણે પ્રાથમિક ટેસ્ટ માટે મૂછો વધારવાના ઉત્પાદનની પ્રથમ બેચ ઈબે પર વેચી હતી અને તેમના આશ્ચર્ય વચ્ચે તમામ ૩૦ ટિન વેચાઈ ગયા હતા. બિઝનેસ વધવા સાથે તેમણે ઉત્પાદન ખર્ચ નીચો રાખવાના લક્ષ્ય સાથે બામ, ઓઈલ અને શેમ્પુઝનું ઉત્પાદન શરુ કર્યુ હતું. લેસ્ટરસ્થિત કંપનીના નમ્ર આરંભ પછી ‘Mo Bro's’નું ૨૦૧૬-૧૭ માટે રજિસ્ટર્ડ ટર્નઓવર ૧.૩ મિલિયન પાઉન્ડ હતું. દત્તાણીબંધુઓ ૨૦૨૦ સુધીમાં ૧૦ લાખ વૈશ્વિક ગ્રાહકો સાથે ભારત, જર્મની અને દુબઈમાં તેમની હાજરી વર્તાવવા માગે છે.
ભાઈઓ સાથે કામ કરવા મુદ્દે દત્તાણી કહે છે કે,‘મને તેમની સાથે કામ કરવાનો આનંદ છે. વિશ્વાસ ન હોય તો બિઝનેસ ચલાવવો સોથી કઠણ છે પરંતુ, ભાઈઓ તરીકે અમને એકબીજામાં વિશ્વાસ છે.’