દિલ્હી ટુ ડોવરઃ ભૌગોલિક મહાપ્રવાસનું વર્ણન

પુસ્તક સમીક્ષા- ગુજરાત સમાચાર/ એશિયન વોઈસના તંત્રી શ્રી સી.બી. પટેલ

-લેખક રજની દાવડા (બ્લુ) Tuesday 11th October 2016 08:25 EDT
 
 

પ્રસિદ્ધ બ્રિટિશ ભારતીય ઉદ્ઘોષક રજની દાવડાએ તેમની સ્મરણયાત્રામાં આફ્રિકાથી યુકે સુધી પગપાળા, વહાણ અને વિમાનમાં ભારત અને સાઉથ વિયેટનામ (યુદ્ધકાળમાં) થઈને કરેલા ભૌગોલિક મહાપ્રવાસનું વર્ણન આ પુસ્તકમાં કર્યું છે. લેસ્ટરસ્થિત સબરસ રેડિયોમાં ગુજરાતી ભાષાના ખ્યાતનામ ઉદ્ઘોષક રજની દાવડાએ તેમની આ નવી સ્મરણકથા (memoir) Delhi to Doverમાં એક યુવાન તરીકે ખેડેલા આશ્ચર્યકારી પ્રવાસની વાતો માંડી છે.

વતન યુગાન્ડાની બહાર સારા જીવનનું સ્વપ્ન સેવતા તેઓ મિત્રની સંગાથે સાહસની શોધમાં નીકળ્યા હતા અને એ સાહસ તેમણે વાસ્તવમાં કરી બતાવ્યું હતું. તેમની કથાનો આરંભ ૧૯૬૭માં એટલે કે ઈદી અમીનના અત્યાચારી શાસનકાળમાં યુગાન્ડાવાસી એશિયનોએ યુકે સુધી સામૂહિક સ્થળાંતર કર્યાના લગભગ ચાર વર્ષ અગાઉથી થાય છે.

આ બે સાહસિક યુવાનો અન્ય વાહનચાલકોથી મદદ મેળવી યુગાન્ડાથી કેન્યા અને ત્યાંથી જહાજ મારફત ભારત પહોંચ્યા હતા. અહીંથી તેઓ સમગ્ર ઉપખંડમાં રઝળપાટ કરી કલકત્તાથી સિંગાપોર પહોંચ્યા હતા. તેઓ ૧૯૬૮ સુધીમાં તો હોંગ કોંગ પહોંચી ગયા અને નોકરી પણ શોધી લીધી. તેમણે વિયેટનામ યુદ્ધ દરમિયાન સાઉથ વિયેટનામમાં યુએસ આર્મી પીએક્સ (રીટેઈલ સ્ટોર્સ)માં કામ કરવા માટે તાલીમ પણ હાંસલ કરી લીધી હતી.

રજનીના શિરે કમનસીબી એવી આવી કે તેમના મોટાભાઈ નરેન્દ્રનું અવસાન થતા તેમણે યુગાન્ડા પાછા ફરવું પડ્યું. આ પછી, ૧૯૭૦માં ભારત થઈને વિયેટનામ પાછા જવા દરમિયાન બીજી કમનસીબી આવી કે પોતાનો પાસપોર્ટ અને વિયેટનામમાં ફરી પ્રવેશ કરવા માટેના આવશ્યક દસ્તાવેજો ટેક્સીમાં જ ભૂલી ગયા. આ પણ ઓછું હોય તેમ ભારતમાં રઝળપાટ કરવા દરમિયાન તેમને ટાઈફોઈડનો ચેપ લાગ્યો અને તેઓ પથારીવશ થઈ ગયા.

થોડાં સપ્તાહો પછી ટાઈફોઈડમાંથી ઉભા થયા ત્યારે તેમણે પોતાના મોસાલ એટલે કે ગુજરાત રાજ્યના પોર્ટ સિટી પોરબંદર જવાનો અને સમુદ્રમાર્ગે યુગાન્ડાથી ભારત આવેલા કેટલાંક મિત્રોને મળવાનો નિર્ણય કર્યો. આ બધા જ કડકાબાલુસ એટલે કે ખિસ્સામાં પૈસા વિનાના હતા અને યુકે જવાનું વિમાનભાડું તેમની પાસે ન હતું. છેવટના ઉપાય તરીકે આ સાત સાહસિકોએ નવા સાહસ તરીકે યુકે પહોંચવા હિચહાઈક અર્થાત વાહનોમાં મફતિયા પ્રવાસની મદદ મેળવવાનો નિર્ણય કરી લીધો.

યુકે જવાના માર્ગે ભારત, અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી, બલ્ગેરિયા, યુગોસ્લોવિયા, ઓસ્ટ્રિયા, જર્મની અને બેલ્જિયમના વિસ્તારોમાં પગપાળા રખડપટ્ટી કરી આગળ વધી ડોવર આવ્યા ત્યારે મોટો અવરોધ નડ્યો. આ સ્થળે તેમના ગ્રૂપના એક સભ્યને ટાઈફોઈડ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાવવો પડ્યો. તેને હોસ્પિટલમાં દાખલ તો કર્યો, પરંતુ બાકીના છ સાહસિકોને પાછા ભારત ડીપોર્ટ કરી દેવાયા.

આટલા મોટા વિઘ્નથી જરા પણ નાસીપાસ થયા વિના આ છ સાહસી મિત્રોએ ૧૯૭૧ના જાન્યુઆરીમાં નવી દિલ્હીમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના પ્રાંગણમાં ૨૮ દિવસ સુધી અડ્ડો જમાવી દીધો. સ્થાનિક પત્રકારના ધ્યાનમાં તેમની વાત આવી અને મીડિયામાં જાણે વાવાઝોડું સર્જાયું. આના પરિણામે, રજની અને તેમના પાંચ મિત્રોને ૧૯ ફેબ્રુઆરી ૧૯૭૧ના દિવસે બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશનની લંડન જતી ફ્લાઈટમાં બેસાડી દેવામાં આવ્યા અને તેમના ‘સત્યાગ્રહ’નો અંત આવ્યો.

આજે સાત સભ્યના આ મૂળ ગ્રૂપના માત્ર ચાર મિત્ર રહ્યા છે અને તેમાંથી એક કેનેડામાં રહે છે.

‘દિલ્હી ટુ ડોવર’ હોંગ કોંગ અને યુદ્ધગ્રસ્ત સાઉથ વિયેટનામમાં એક કૃતસંકલ્પ યુવાનના જીવનનું અને તે ઉપરાંત, નવ દેશોમાં રઝળપાટ કરી યુકે પહોંચવામાં નડેલી અપાર મુશ્કેલીઓનું વિસ્તૃત વિવરણ કરે છે. આ સાહસી મિત્રોના જૂથે નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનના કમ્પાઉન્ડમાં ૨૮ દિવસ વીતાવ્યા તે દરમિયાન કમિશનના અધિકારીઓએના વ્યવહારનું ચિત્રણ પણ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.

સત્ય કથા પર આધારિત આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે.

તંત્રીની નોંધઃ પુસ્તક વિશે પૂછપરછ કરવા લેખકને [email protected] પર ઈમેઈલ કરશો.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter