લંડનઃ મોટરચાલકોને ધીમા પાડવાના પ્રયાસમાં દેશના વ્યસ્ત માર્ગો પર માર્કિંગ દૂર કરાઈ રહ્યા છે. હન્સ્ટેન્ટન, નોર્ફોક સહિતના માર્ગો પર તેની ટ્રાયલમાં વચ્ચેની વ્હાઈટ લાઈન દૂર કરવામાં આવી છે. સંશોધન અનુસાર માર્ગો પરથી વચ્ચેની વ્હાઈટ લાઈન દૂર કરવાથી વાહનોની સરેરાશ ગતિમાં ૧૩ ટકાનો ઘટાડો થશે. વ્હાઈટ લાઈન દૂર કરવાથી વાહનચાલકોએ વધુ સાવચેત બનવું પડશે અને તેનાથી સ્પીડમાં ઘટાડો થશે.
લંડન ટ્રાન્સપોર્ટના કહેવા અનુસાર સાઉથ લંડનમાં A22 અને A23 તથા સેન્ટ્રલ લંડનમાં A100 માર્ગ પર આ સિસ્ટમ ચાલુ કરી દેવાઈ છે, જે હવે અન્ય માર્ગો પર તબક્કાવાર લાગુ કરાશે. ડર્બી અને વિલ્ટશાયરના કેટલાક માર્ગો પર પણ ટ્રાયલ લેવાઈ છે. મહારાણીની સેન્ડ્રિંગહામ એસ્ટેટ નજીકના વિસ્તારો સહિત નોર્થ નોર્ફોક માટે પણ પાયલોટ યોજના ઘડાઈ છે. અગાઉ, ડ્રાઈવર્સને ધીમા પાડવા બ્રિટનમાં કેરેજવે અને ફૂટપાથ વચ્ચેના કર્બસ્ટોન્સ અને રેલિંગ્સ જેવી ફીઝિકલ સીમા દૂર કરી દેવાઈ હતી.
માર્ગ સલામતી ચેરિટી રોડપીસે આ પહેલને આવકારતા કહ્યું છે કે રોડ પોલિસીંગ બજેટમાં કાપ મૂકાયો છે ત્યારે સ્વનિયંત્રણ યોજનાઓ ગતિ ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ છે. બીજી તરફ, મોટરિંગ ગ્રૂપ્સે વ્હાઈટ લાઈન્સ દૂર કરવાની બાબત જીવલેણ ખામી બનવાની ચેતવણી આપી છે. બ્રિટિશ માર્ગો પર વ્હાઈટ માર્કિંગની શરૂઆત ૧૯૧૮થી થઈ હતી અને ૧૯૨૬થી તેનો રાષ્ટ્રવ્યાપી ઉપયોગ કરાય છે.