લંડનઃ મેયર સાદિક ખાન કામચલાઉ ગણાવેલા દૈનિક ૧૫ પાઉન્ડના કન્જેશન ચાર્જને યથાવત રાખી પલટી મારી નવા વિવાદમાં આવ્યા છે. જોકે, દૈનિક ચાર્જના કલાકો ઘટાડવાની જાહેરાત કરાઈ છે જેનો અમલ ૨૮ ફેબ્રુઆરીથી કરાશે.
લંડનના ટ્રાન્સપોર્ટ નેટવર્કને સરકારના તાત્કાલિક ભંડોળના સોદામાં ગત વર્ષે જૂનમાં કન્જેશન ચાર્જ દૈનિક ૧૧.૫૦ પાઉન્ડથી વધારી ૧૫ પાઉન્ડ કરવામાં આવ્યો હતો અને સપ્તાહમાં સાત દિવસ રાતના ૧૦ વાગ્યા સુધી તેને અમલી બનાવાયો હતો. આ સમયે મેયર ખાન અને TfL દ્વારા તેને કામચલાઉ ગણાવાયો હતો. હવે TfLએ ૧૫ પાઉન્ડનો ચાર્જ યથાવત રાખવા પરંતુ, તેના અમલના કલાકો ઘટાડવાનું જાહેર કર્યું છે.
કન્જેશન ચાર્જ વીકેન્ડના પાર્ટ માટે પણ અમલી રહેશે. નવી દરખાસ્તો હેઠળ ૧૫ પાઉન્ડનો ચાર્જ સપ્તાહના ગાળામાં સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ સુધી અને વીકએન્ડ ગાળામાં બપોરના ૧૨થી સાંજના ૬ સુધી અમલમાં રહેશે. પબ્લિક કન્સલ્ટેશનમાં મૂકાયેલા કન્જેશન ચાર્જના કલાકો ૨૮ ફેબ્રુઆરીથી અમલમાં આવશે. ક્રિસમસ ડે અને ન્યૂ યર ડે વચ્ચે કોઈ ચાર્જ લગાવાશે નહિ જ્યારે વીકએન્ડ કલાકો બેન્ક હોલીડેઝ માટે પણ લાગુ રહેશે.
આ ચાર્જવધારાથી TfLને ૧૫૫ મિલિયન પાઉન્ડની વધારાની ચોખ્ખી આવક થઈ હોવાનું મેયરે જણાવ્યું છે. જૂન મહિનામાં ચાર્જિંગના કલાકો દરમિયાન ૨.૪ મિલિયનથી વધુ વાહનો c-zoneમાંથી પસાર થયા હતા જે સંખ્યા માર્ચ ૨૦૧૭થી સૌથી વધુ છે. TfL મુજબ લંડનમાં ગીચતા-કન્જેશનથી ૨૦૧૭માં અર્થતંત્રને ૯.૫ બિલિયન પાઉન્ડનો બોજો પડ્યો હતો.