લંડનઃ વિશ્વમાં પ્રથમ પ્રકારની ઘટનામાં ૫૯ વર્ષની બ્રિટિશ મહિલા તેની મૃત પુત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવા પોતાના જ દોહિત્રને જન્મ આપવા કાનૂની લડાઈ લડી રહી છે. તેનો પતિ પણ આ યુદ્ધમાં તેની સાથે છે. ચાર વર્ષ પહેલા કેન્સરના કારણે પુત્રીનું મોત થયું હતું. આ પુત્રીએ ફ્રીઝ કરાવેલાં સ્ત્રીબીજને દાતાના વીર્યથી ફલિત કરીને બ્રિટિશ મહિલામાં સ્થાપિત કરવામાં આવશે.
જોકે, બ્રિટનના કોઈ પણ ફર્ટિલિટી ક્લિનિકે આ માટે તૈયારી ન દર્શાવતા બ્રિટિશ મહિલા પુત્રીના સ્ત્રીબીજ ન્યૂ યોર્કના ક્લિનિક્સમાં લઈ જવા માગે છે, જ્યાં £૬૦,૦૦૦ના ખર્ચમાં નાનીની કુખમાં ગર્ભ સ્થાપિત કરવાની સારવાર થઈ શકશે. બ્રિટિશ મહિલા અને તેનાં પતિ માટે ગ્રાન્ડપેરન્ટ્સ બનવાની આ છેલ્લી તક છે. જોકે, મહિલાની વય જોતાં પુત્રીના બીજ સાથે સગર્ભા બનવાની તક ઘણી ઓછી મનાય છે. ફર્ટિલિટી સારવાર સફળ થાય તો પણ મહિલાનાં આરોગ્ય અને અજન્મા બાળકના આરોગ્ય માટે ભારે જોખમની શક્યતા રહેલી છે. મહિલા અને તેનો પતિ તેમની પુત્રીની ઈચ્છા પાર પાડવાનો નિશ્ચય ધરાવે છે, છતાં કેસનો નિર્ણય જજના હસ્તક છે.