જગતભરના માનવીઓને ભયભીત બનાવી રહેલા કોરોના નામના આ રાક્ષસે માણસને ‘કોઇ, કોઇનું નથી’ એની વ્યાખ્યા બરોબર સમજાવી દીધી. કુટુંબના કોઇ વ્યક્તિને કોરોના વળગ્યો એની નજીક કોઇ જતું નથી અથવા જવા દેવાતું નથી. હોસ્પિટલના ખાટલે સારવાર લેતાં કદાચ યમનું તેડું આવી જાય તો એ મરનાર બિચારો ગંગાજળનું ટીપુ, તુલસીનું પાન કે સ્વર્ગારોહણ કરતી વખતે જીવાત્માને હરિજાપ કરવા તુલસીમાળા કે રુદ્રાક્ષની માળા અને દાળ-ચોખાની પોટલી કે ચાર નાળીયેર પણ મળતા નથી. અરે, પોતાનાં સગાંસંબંધી પણ એનું મુખારવિંદ જોઇ શકતા નથી. ગત ડિસેમ્બરની ૩૧મીની મધરાતે ૨૦૨૦ની સાલને આપણે સૌ Cheers કરીને વધાવતા હતા ત્યારે અજાણ્યા ભવિષ્યની કોણે ખબર હતી!!
બબ્બે વરસથી ડેટીંગ કરતાં આપણા કેટલાક લગ્નોત્સુક યુવાન-યુવતીઓ માટે પણ મુંઝવણ ઉભી થઇ છે. કોઇએ ના કર્યાં હોય એવા યુનિક લગ્ન કરવા કેટલાક યુગલોએ તો ૨૦૨૦ના સ્પ્રીંગ, સમરમાં કઇ ફાઇવસ્ટાર હોટેલમાં અથવા યુ.કે.બહાર જઇને કયાં ડેસ્ટીનેશન વેડીંગ કરવાં એનું બુકીંગ પણ ૨૦૧૯થી કરાવી લીધું હતું. કોડભરી કન્યાઓ અને ઘોડે ચઢનારા વરણાગિયા વરરાજાઓએ તો ચાર-ચાર પ્રસંગો (એન્ગેજમેન્ટ, મહેંદી-સાંજી-ગરબા, માંગલિક વિધિ, લગ્નના માંડવે ફેરા ફરતાં, સાંજના ધમાકેદા રીસેપ્શન ઇત્યાદિમાં કયારે કેવા પોશાક સજવા એ બધું વર્ષ અગાઉ નક્કી કરી, વેડીંગ પ્લાનરો સાથે બેસી એમના પોશાકને અનુરૂપ વિવિધ પ્રસંગોએ કેવા ડેકોરેશન કરવા, ટેબલો પર કેવી ગોઠવણો કરવી એનું પ્લાનિંગ કરી લીધું હતું. ધામધૂમથી યોજાનાર લગ્ન પ્રસંગે વર-વધૂ પ્રભુતામાં પગલાં માંડે એ યાદગાર પળોને ફોટો અને વિડિયોગ્રાફરોએ કેવી રીતે 'શૂટ' કરવા એનું પણ લગભગ રિહર્સલ થઇ ગયું હતું.
ચાઇનાથી આવેલા આ કોરોનાને આપણા વૈભવી લગ્નો જોઇ ઇર્ષા થઇ લાગે છે. ૨૦૧૯ના અંતભાગમાં જ મ્હોં ફાડીને બેઠો થયેલો કોરોના નામના રાક્ષસી અજગરે ફેબ્રુઆરીના અંતભાગ સુધીમાં બ્રિટન સહિત ધીરે ધીરે વિશ્વને ઝપટમાં લેવા માંડ્યું. એ સાથે જ બ્રિટીશ સરકારે કોરોના વાયરસને કંટ્રોલ કરવા માર્ચ મહિનાથી લોકડાઉન કરી સૌને ઘરમાં જ રહેવા તાકીદ કરી અને તમામ પાર્ટીઓ, સમારંભો પર પાબંદી લગાવી દીધી. એરલાઇનો સ્થગિત થઇ ગઇ, પ્રવાસીઓની આવનજાવન પર રોક લાગી જતાં યુરોપ સહિત વિદેશોમાં જવું તદન બંધ થઇ ગયું. ધીરે ધીરે કોરોનાના કેસ ઘટવા લાગ્યા એટલે જૂન-જૂલાઇમાં સરકારે સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની સૌને તાકીદ કરી. કોઇપણ નવયુગલને લગ્ન કરવાં હોય તો લગ્નોત્સવમાં ૩૦થી વધારે લોકોને ભેગા નહિ કરવાનો કાયદો લાગુ કર્યો. કોરોના વાયરસની વેક્સીન શોધાય નહિ ત્યાં સુધી કોઇપણનું જીવન સુરક્ષિત નથી એવું વિચારી. આપણા કેટલાક ગુજરાતીઓએ વૈભવી હોટેલો અને ઇટાલી કે ગોવાના ડેસ્ટીનેશન વેડીંગનાં બુકીંગ કેન્સલ કરી ઘરના બેકયાર્ડમાં જ માંડવા બાંધી લગ્નોત્સવ ઉજવ્યાં છે. લાઉટન, સ્ટેનમોર, નોર્થવુડમાં રહેતા અમારા પરિચિતોના ઘરે દીકરા-દીકરીઓએ આવી રીતે ઘરઆંગણે જ લગ્ન કરી, ચોરીના ચાર ફેરા લઇ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. કેટલાક કુટુંબોનો બહોળો પરિવાર હોય તેઓએ સવારે ૩૦ અને સાંજે રીશેપ્સનમાં ૩૦ જણને આમંત્રીને લગ્નોત્સવ મનાવ્યો છે.
ભૂતકાળનાં ધમાકેદાર રજવાડી લગ્નોની એક ઝલક
ઝમકદાર વૈભવી લગ્નોના પ્લાન કંઇ આપણા યુ.કે.માં જ થાય છે એવું નથી હોં! આપણા ઇન્ડિયામાં તમે લગ્નો થતાં જોયાં છે? અમે તો દર વર્ષે શિયાળામાં ઇન્ડિયા જઇએ એટલે આ ઝાકઝમાળ લગ્નોત્સવને નજરે દીઠાં છે. એ જોઇ અમને વિચાર આવતો કે ઇન્ડિયામાં પૈસાની કયાં ખોટ દેખાય છે!! ત્યાં પણ અહીંની જેમ આખા અઠવાડિયાના લગ્નોત્સવ ચાલે. એમાંય વિદેશી વર કે કન્યા દેશમાં લગ્ન કરવા ગયો હોય તો એ લગ્નોત્સવ જબ્બર ઝમકદાર લાગે. એવા વરની બગી પણ ACએટલે કે એરકન્ડીશનવાળી, ફ્રેશ મોંઘામૂલના ફુલોથી સજાવેલી હોય, એમાં આગળ ચાર-ચાર ઘોડા હોય. એ વરઘોડામાં સ્પેશીયલ ફેંટાધારી જાનૈયા પણ બોટલોમાં ડ્રીંક્સ લેતા જાય (જો જો બીજુ ના સમજતા હોં, આપણું ગુજરાત તો ડ્રાય એરિયા છે!) અને બેફામ બની નાચતા જાય, વરનો બાપ બગી આગળ ફાંકડો થઇ ચાલતો હોય અને દિવાળીની આતશબાજી ભૂલાવી દે એવા દારૂખાનાથી શ્વાસ ના લઇ શકાય એવા ધૂમાડાભર્યું વાતાવરણ સાથે આખું આકાશ સપ્તરંગી બનાવી દેવાય. આમ ગામ કે નગર આખાને ખબર પડે કે કોઇ લાખેણો વર ઘોડે ચઢ્યો છે. અમે અમેરિકાથી આવેલા મૂરતિયાને તો અંબાડી એટલે કે હાથી ઉપર ઉઘલતો દીઠો છે, કેટલાકને તો હેલિકોપ્ટરમાં કન્યા માંડવે જતા ય દીઠા છે. એવો વરરાજો તોરણે આવે એટલે કન્યા પુષ્પમાલા આરોપવા આવે ત્યારે વિદેશી વરણાગીયાને જાનૈયા ક્રેન પર ઉંચો ચઢાવે. આવા હેરતભર્યા નાટક પછી થાઇલેન્ડથી મંગાવેલા તાજા આર્કિડના ફૂલોચ્છાદિત મંડપ એ પણ કેવો વર-કન્યાના પોશાકને અનુરૂપ રંગના આર્કિડથી સજાવેલા માંડવામાં વર પધારે. ત્યાર પહેલાં એ વરઘોડામાં જાનૈયા મિત્રો જોડે નાચીને લોથપથ થયો હોય એટલે અડધો કલાક ફ્રેશ થવા જાય. એ પછી કન્યા માંડવે આવે એ પણ વેડીંગ પ્લાનરોનો આઇડિયા જબ્બરજસ્ત હોય. પહેલાના જમાનામાં કન્યા ધીમા પગલે મામાનો હાથ ઝાલી, નીચી નજરે માંડવે (મોયરામાં) આવતી, હવે એ ટ્રેન્ડ બદલાયો. અમે કન્યાને ગાડામાં બેસીને, રિક્ષામાં, પાલખીમાં કે શણગારેલા પાટલા પર ચારેક મામા ઉંચકી હોય એવી રીતે માંડવે આવતી જોઇ છે. આજની આધુનિક કન્યાઓના લગ્ન પોશાક પણ કેવા જબરજસ્ત, બાપરે?! જરદોશી ભરતગૂંથણ સાથે ચાર-પાંચેક કિલોના તો હોતા હશે જ! સાથે એટલા પગથી માથા સુધીના ડિઝાનર ઘરેણાં હોય!! શું કરે બિચારી! ચાલવામાં કેટલી થાકી જાય!!
બ્રિટનમાં ખાસ કરીને લંડનમાં પણ વેડીંગ પ્લાનરો તમે માંગો એવી રીતે લગ્નોત્સવનું આયોજન કરી આપે છે. અહીં ખાસ કરીને લંડનમાં ય હેલિકોપ્ટરથી વરરાજાને પરણવા જતો દીઠો છે. અહીં વાજાંને બદલે પંજાબી ઢોલના ઢમકારે, કાનના પડદા ફાડી નાખે એવી DJસીસ્ટમની ધમાલ સાથે ફેંટાધારી જાનૈયાઓને મસ્ત બની નાચતા દીઠા છે. વરપક્ષના આમંત્રિત કોણ અને કન્યાપક્ષના આમંત્રિત કોણ એ એમના જુદા રંગના ફેંટા ઉપરથી ઓળખી શકાય.
આવા ધમાકેદાર લગ્નોમાં ખાસ કરીને વર-કન્યાનો બાપ જ પૈસેટકે ધોવાઇ જતો હોય છે. લંડન અને અમેરિકામાં અમે દોઢ-બે લાખ પાઉન્ડના ખર્ચાળ લગ્નો મહાલ્યાં છીએ. દીકરી કે દીકરાની માંગ અથવા તમન્નાને પરિપૂર્ણ કરવામાં મા-બાપ આર્થિક રીતે દેવામાં ડૂબી જતાં હોય છે.
આવા સાદગીભર્યાં લગ્નોથી પાઉન્ડનો ધૂમાડો થતો અટકયો છે એટલું જ નહિ પણ એના થકી બચત થયેલી રકમથી નવયુગલ એમના આવનારા ભવિષ્ય માટે વાપરી શકે છે. હવે યુ.કે.માં કોરોના ફરી આળસ મરડી બેઠો થવા જાય છે ત્યારે સરકારે ૩૦ જણ પણ નહિ માત્ર છ જણ જ ભેગા થઇ શકાય એવો કાયદો લાગુ કર્યો છે. બેકયાર્ડમાં ભૂલેચૂકે છથી વધારે લોકોનો કલબલાટ સંભળાય તો
ગૃહમંત્રી પ્રીતિ પટેલે પોલીસને ઇન્ફોર્મ કરવા જણાવ્યું છે. અરેરે. કાળમુખા, કોરોના.. તેં શું ધાર્યું છે!!