લંડનઃ સામાન્ય ચૂંટણીમાં સંપૂર્ણ બહુમત મેળવી નંબર ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં પરત આવેલા ડેવિડ કેમરનને તેમના સ્ટાફે આનંદપૂર્વક વધાવી લીધા હતા. બકિંગહામ પેલેસમાં ક્વીન એલિઝાબેથને ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ભવ્ય વિજયની માહિતી આપ્યા પછી કેમરન બીજી મુદત માટે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. કેમરન તેમના આંતરિક ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝર કેરોલ કેમ્પ્ટનને ભેટી પડ્યા ત્યારે લાગણીભીની પળો સર્જાઈ હતી. કેરોલ તેમની આંખ લૂછતાં નજરે પડ્યાં હતાં.
અગાઉ, કેમરને થોડા સમય માટે બહાર આવી તેઓ બહુમતી ટોરી સરકારની રચના કરવાના હોવાની જાહેરાત કરી હતી. તેમણે બ્રિટનને વધુ મજબૂત બનાવવા અને સ્કોટલેન્ડને વધુ સત્તા સોંપવાનો સંકેત પણ આપ્યો હતો. તેમણે ૭૦ વર્ષમાં પ્રથમ ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યા બદલ ગૌરવની લાગણી દર્શાવી હતી.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એકત્ર વિશ્વભરના મીડિયાને સંબોધતા કેમરને કહ્યું હતું કે તેઓ બ્રિટનના અર્થતંત્રને વ્યવસ્થિત કરવાની કામગીરી પૂર્ણ કરવા માગે છે. વડા પ્રધાને કહ્યું હતું કે, ‘હું પાંચ વર્ષ અગાઉ આ સ્થળે ઉભો હતો ત્યારે આપણો દેશ આર્થિક કટોકટીમાં ફસાયેલો હતો. પાંચ વર્ષ પછી બ્રિટન ઘણું મજબૂત બન્યું છે. પરંતુ સાચી તકો તો હવે આવશે. ગત પાંચ વર્ષમાં અને આ ચૂંટણીપ્રચાર દરમિયાન મેં જોયું છે કે આ દેશમાં ઘણી કુશળતા અને સર્જકતા છે. આપણે સાથે મળીને બ્રિટનને વધુ મહાન બનાવીશું.’ તેમણે કહ્યું હતું કે કોમન્સમાં ૩૩૧ સાંસદોની તાકાતનો સંપૂર્ણ ઉપયોગ વધુ એપ્રેન્ટિસશિપ્સ, ઈન્કમ ટેક્સમાં કાપ તેમજ ઈયુમાં બ્રિટનના સભ્યપદ અંગે રેફરન્ડમ સહિત ટોરી પાર્ટીના ઈલેક્શન મેનિફેસ્ટોના અમલ માટે કરવામાં આવશે.