લંડનઃ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ (સ્ટાનચાર્ટ) બેન્ક દ્વારા નગિબ ખેરાજની સીનિયર સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. બાર્કલેઝના પૂર્વ એક્ઝીક્યુટિવ નગિબ સ્ટાનચાર્ટના વર્તમાન ચેરમેન સર જ્હોન પીસના અનુગામીની શોધની ટીમના અગ્રેસર રહેશે. અગાઉ, તાન્ઝાનિયાના દારેસલામના ઈસ્માઈલી ખોજા ખેરાજ બેન્કના ભાવિ ચેરમેન બનશે તેમ મનાતું હતું. જોકે, તેમણે પોતાની ઉમેદવારીની શક્યતા નકારી કાઢી છે. ખેરાજ બોર્ડરુમમાં વ્યાપક ફેરફારના ભાગરુપે હોદ્દો છોડી રહેલા રુથ માર્કલેન્ડનું સ્થાન લેશે. ઉભરતાં બજારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી બેન્કના ચીફ એક્ઝીક્યુટિવ તરીકે પીટર સેન્ડ્સનું સ્થાન બિલ વિન્ટર્સ સંભાળશે.
ખેરાજ જાન્યુઆરી ૨૦૧૪માં ઓડિટ કમિટીના ચેરમેન તરીકે સ્ટાનચાર્ટના બોર્ડમાં સામેલ થયા હતા. તેમની ઝળહળતી કારકીર્દિમાં વૈશ્વિક નાણાકીય કટોકટી અગાઉ બાર્કલેઝના ફાઈનાન્સ ડિરેક્ટર અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના વરિષ્ઠ સલાહકારની કામગીરી પણ સામેલ છે. તેમણે યુકે ફાઈનાન્સિયલ રેગ્યુલેટર અને નેશનલ હેલ્થ સર્વિસને પણ સલાહ પૂરી પાડી છે. તેમણે જેપી મોર્ગન કેઝનોવ એન્ડ લેઝાર્ડમાં એક્ઝીક્યુટિવની કામગીરી બજાવી હતી.
મુખ્યત્વે એશિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં કામગીરી ધરાવતી સ્ટાનચાર્ટ બેન્ક ખરાબ નાણાકીય દેખાવ, શેરની ઘટતી કિંમતો, યુએસ રેગ્યુલેટર્સ સાથે વિવાદો અને અન્ય મોટી બેન્કોની સરખામણીએ મૂડીઅછતની ચિંતાના પરિણામે છેલ્લા બે વર્ષથી ડામાડોળ સ્થિતિમાં છે. ધરમૂળ ફેરફારોના કારણે ઘણા વરિષ્ઠ એક્ઝીક્યુટિવ્ઝને બેન્ક છોડવી પડી હતી અને સર જ્હોન આગામી વર્ષે ચેરમેનપદ છોડશે તેવી જાહેરાત પણ કરાઈ હતી.
સીનિયર ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે ખેરાજ સ્ટાનચાર્ટના વર્તમાન ચેરમેન સર જ્હોનના અનુગામીની શોધની કામગીરીમાં અગ્રેસર રહેશે. અનુગામીની શોધ હમણા જ શરુ થઈ છે અને બોર્ડ સંભવિત ઉમેદવારોની શોધખોળ માટે કંપનીની નિમણૂક કરવા તરફ આગળ વધી રહ્યું છે.
સ્ટાનચાર્ટના નવા ચીફ એક્ઝીક્યુટિવ અને જેપીમોર્ગનના પૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર બિલ વિન્ટર્સે જણાવ્યું છે કે તેઓ ઉનાળા પછી તેમની ઉચ્ચ એક્ઝીક્યુટિવ ટીમની જાહેરાત કરશે અને વર્ષના અંત સુધીમાં વ્યાપક યોજનાઓ રજૂ કરશે. તેમણે આ મહિને સ્ટાફને લખેલા પત્રમાં જણાવ્યુ હતું કે,‘ આપણે પાયા મજબૂત કરવાની, આપણા બિઝનેસીસને સ્ટ્રીમલાઈન કરવાની, નાણાકીય પોઝીશન મજબૂત બનાવવાની તેમજ આપણી મૂડી પરનું વળતર વધુ સારુ મળે તે માટે બેન્કને પુનઃ ચમકદાર બનાવવાની જરુર છે.’
નવા સીઈઓના નિકટતમ સૂત્રોને લાગે છે કે તેઓ બેલેન્સ શીટમાં પ્રાણસંચાર કરવા અને ઓવરહેડ્ઝ ઘટાડવાની નવરચના યોજનાનો ખર્ચ આવરી લેવા નવી મૂડી મેળવવા આગળ વધશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા મૂડી એકત્ર કરવાનું વિચારતા હોવાનો સ્પષ્ટ સંકેત આપતા વિન્ટર્સે કહ્યું છે કે,‘ખાસ કરીને મુશ્કેલ આર્થિક સમયમાં મૂડીની મજબૂતાઈ સ્પર્ધાત્મક સરસાઈ આપે છે. આપણી વ્યાપક બિઝનેસ સમીક્ષાના ભાગરુપે આપણી મૂડીશક્તિના તમામ પાસાની સમીક્ષા આપણે કરી રહ્યા છીએ. સાથે મળીને કામ કરવા, નિર્ણયો લેવા અને વધુ કાર્યક્ષમ બનવાના માર્ગો સરળ કરવા આપણે ખુદને વ્યવસ્થિત બનાવીશું.’
વિન્ટર્સને આ ભૂમિકા સોંપાયા પછીના ચાર મહિનામાં બેન્કના શેરની કિંમતોમાં ૧૦ ટકાનો વધારો થયો છે. જોકે, યુકેની અન્ય બેન્કોની સરખામણીએ તેનો દેખાવ નબળો જ રહ્યો છે.