લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બરમાં યુકે મુલાકાત દરમિયાન ૧૪ નવેમ્બરે ભારતીય ફિલોસોફર બસવેશ્વરાની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. તેમણે આ વાત પોતાના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં જણાવી હતી. ૧૨મી સદીના બસવેશ્વરા (૧૧૩૪-૧૧૬૮) લોકશાહીના વિચારના પ્રણેતાઓમાં એક તેમ જ સમાજસુધારક અને રાજપુરુષ હતા. તેમણે જ્ઞાતિવિહીન સમાજની રચના તથા અસ્પૃશ્યતા નાબૂદીની હિમાયત કરી હતી.
લંડનના લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નિરજ પાટિલે બ્રિટિશ ભારતીય સમુદાય વતી થેમ્સ નદીના કિનારે બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરવાનું આમંત્રણ વડા પ્રધાન મોદીને ૨૪ માર્ચે રુબરુ પાઠવ્યું હતું. વડા પ્રધાન કાર્યાલયે આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. વડા પ્રધાન મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લંડનની મુલાકાત દરમિયાન લોર્ડ બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરતા તેઓ ધન્યતા અનુભવશે.
ભારતના સંસદભવનમાં પણ ૨૦૦૨માં વડા પ્રધાન અટલ બિહારી બાજપેયી દ્વારા તેમની પ્રતિમાં સ્થાપિત કરાઈ હતી. બિનનફાકારી સંસ્થા ધ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા ૨૦૧૦માં લેમ્બેથ કાઉન્સિલ સમક્ષ પ્રતિમા સ્થાપવાની રજૂઆત કરાઈ હતી. જમીનની લીઝ માટે £૨૫૦,૦૦૦નું દાન આપવાની બાંયધરી પણ આપી હતી. કર્ણાટક સરકારે પ્રતિમા તૈયાર કરવા રૂપિયા ત્રણ કરોડ ફાળવ્યા હતા. લંડનમાં ભારતીય નેતાઓ ગાંધીજી, જવાહરલાલ નેહરુ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમાઓ પણ સ્થાપિત છે.