આ વર્ષે યોજાયેલી કન્ઝર્વેટિવ પાર્ટીના સંમેલનમાં હેરોના કાઉન્સિલર અમિત જોગીયાએ નર્સના કલ્યાણ માટે યોગ્ય પગલાં લેવા કન્ઝર્વેટિવ પાર્ટીને અનુરોધ કરતાં તેમણે હજારો લોકોના દિલ જીતી લીધા હતા. આ વર્ષે કન્ઝર્વેટિવ પાર્ટીના સંમેલનની થીમ ‘ Opportunity’ હતી.
સંમેલનમાં અમિત જોગીયાએ તેમના પિતાને ટર્મિનલ કેન્સરનું અચાનક નિદાન થયું ત્યારથી એક વર્ષના સમયમાં NHS સાથેના પોતાના અનુભવોની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારા પિતાજીની સારવારમાં ડોક્ટરો અને કન્સલ્ટન્ટ્સે ભજવેલી ભૂમિકા બદલ તેમનો હું હંમેશા આભારી રહીશ, તે સાથે જ નર્સોએ તેમને જીવતા રાખવામાં ખૂબ જરૂરી કામ કર્યું હતું.
નર્સ જેવા જાહેર ક્ષેત્રના કર્મચારીઓને મદદરૂપ થવા વધુ કાર્યવાહી માટે સરકારને પ્રોત્સાહિત કરતા તેમણે જણાવ્યું હતું કે આશા અને આકાંક્ષાના પક્ષ તરીકે આપણા સ્વભાવમાં સખત પરીશ્રમ કેન્દ્રમાં છે ત્યારે હું માનું છું કે જાહેર ક્ષેત્રના આ ખૂબ મૂલ્યવાન કર્મચારીઓને મદદ કરવી તે આપણી ફરજ છે.
આપણા જાહેર ક્ષેત્રના કર્મચારીઓ પ્રત્યે વિશેષ ધ્યાન આપીને તથા તેમનું સશક્તિકરણ કરીને જ આપણે સૌને માટે ઉચ્ચ ગુણવત્તાનું જાહેર ક્ષેત્ર આપી શકીશું.
અમિત જોગીયાએ લાંબા વેઈટિંગ ટાઈમ, સ્ટાફ પર કામનો ભારે બોજ અને મલ્ટિપલ સેવા માટે વધતી જતી માગ સહિતNHS હાલમાં જે ઘણાં પડકારોનો સામનો કરી રહી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.
ત્યારબાદ એશિયન વોઈસ/ગુજરાત સમાચાર સાથેની ખાસ વાતચીતમાં અમિત જોગીયાએ જણાવ્યું હતું કે કન્ઝર્વેટિવ્સ તરીકે લેબર પાર્ટી હંમેશા NHSના મુદ્દે અમારી ટીકા કરે છે. લેબર પાર્ટી NHS બાબતે તેમની મોનોપોલી હોય તેવી રીતે વર્તે છે. પરંતુ, તે એટલું સરળ નથી.
એક ગૌરવાન્વિત કન્ઝરેવ્ટિવ તરીકે NHS પર હાલના જે દબાણ છે તે સહેજ પણ સ્વીકાર્ય નથી તે વાત સાથે તમામ કન્ઝર્વેટિવ્સ સંમત હશે તેમ હું ચોક્કસ માનું છું. લેબર પાર્ટી ગમે તે કહેતી હોય પરંતુ, હાલની સ્થિતિ આપણાથી થઈ નથી. પરંતુ, તેમાં ફેરફાર માટે આપણને એક ભરોસાપાત્ર આયોજનની જરૂર છે. તે કન્ઝર્વેટિવ્સના સમર્થનથી મજબૂત અર્થતંત્ર દ્વારા જ કાર્યશીલ થઈ શકે.
પોતાના વક્તવ્ય દરમિયાન અમિત જોગીયાએ NHSના ૭૦મા સ્થાપના દિન નિમિત્તે આ વર્ષની શરૂઆતમાં વધતી જતી માગને પહોંચી વળવા માટે NHSને વધારાના ૨૦.૫ બિલિયન પાઉન્ડ આપવાની કન્ઝર્વેટિવ સરકારે કરેલી જાહેરાત બદલ સરકારની પ્રશંસા કરી હતી.