લંડનઃ પ્રેસ્ટનના નવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન સદગુરુ પૂજ્ય સ્વયંપ્રકાશ સ્વામી (ડોક્ટર સ્વામી) તથા ભારત અને યુકેના સાધુઓની ઉપસ્થિતિમાં ૭-૮ નવેમ્બરના વીકેન્ડમાં કરાયું હતું. પ્રમુખ સ્વામી મહારાજે સૌ પહેલા ૧૯૭૪માં પ્રેસ્ટનની મુલાકાત લીધી તે પછીના સમયમાં મંદિરમાં સત્સંગ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. નવું મંદિર પ્રેસ્ટન અને વ્યાપક લેન્કેશાયર વિસ્તારમાં BAPS સ્વામીનારાયણ સંસ્થા માટે આધ્યાત્મિક, સામુદાયિક અને ચેરિટી સેવાઓનું કેન્દ્ર બની રહેશે.
પ્રેસ્ટનમાં ૧૯૮૪માં પ્રથમ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપના થઈ હતી. ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા વિશાળ સુવિધાની જરૂરિયાત સર્જાઈ હતી. પાંચ વર્ષના પ્રોજેક્ટ અને સ્થાનિક હિન્દુ સમુદાયના અથાગ પ્રયાસોના પરિણામે નવા મંદિરનું ઉદ્ઘાટન કરી શકાયું હતું. બે દિવસના મંદિર મહોત્સવમાં વિશેષ મહાપૂજાનું આયોજન કરાયું હતું. પ્રેસ્ટનમાં સુંદર શણગારાયેલાં ફ્લોટ્સ, પરંપરાગત નૃત્યો અને ભજનો સાથેની ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી. ભારતમાં સારંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે મૂર્તિઓમાં દિવ્ય ઉપસ્થિતિની પ્રાણ પ્રતિષ્ઠા ૨૯ જૂને કરાઈ હતી. રવિવાર આઠ નવેમ્બરની સવારે વેદિક મંત્રોચ્ચાર અને વિધિ અનુસાર ડોક્ટર સ્વામી દ્વારા મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઈ હતી.
યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ લેન્કેશાયર ખાતે સાધુઓ અને યુવાનો દ્વારા કિર્તન અને ભજનોનો કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે આ જ ઓડિટોરિયમમાં મહેમાનો, નાગરિક નેતાઓ અને વિવિધ કોમ્યુનિટીના પ્રતિનિધિઓની હાજરીમાં સમર્પણ સભા યોજાઈ હતી. પ્રેસ્ટનના સાંસદ માર્ક હેન્ડ્રિકે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ફાળો આપનારા તમામને અભિનંદન પાઠવ્યા હતા.