લંડનઃ ઓયસ્ટર સિસ્ટમમાં કરાયેલા સુધારાને લીધે હવેથી લંડનવાસીઓ કોઈપણ બસ, ટ્યુબ અથવા રેલ્વે સ્ટેશને તેમનું ઓયસ્ટર કાર્ડ ટોપ અપ કરાવીને ટોપ અપ સાથેનું ટ્રાવેલ કાર્ડ અથવા પાસ મેળવી શકશે. તાજેતરમાં અમલી થયેલા સુધારા મુજબ કોઈપણ વ્યક્તિ જે પે એઝ યુ ગો, બસ અને ટ્રામ પાસ અથવા ટ્રાવેલ કાર્ડ ખરીદવા માટે નવું TfL એપ અથવા Oyster Onlineનો ઉપયોગ કરતા હશે તેઓ ખરીદીની ૩૦ મિનિટ બાદ કોઈપણ યલો કાર્ડ રીડર દ્વારા તેમના ઓયસ્ટર કાર્ડમાં રકમ મેળવી શકશે. આથી મુસાફર પ્રવાસ દરમિયાન લંડનની ૯,૦૦૦ બસમાંથી કોઈપણ બસમાં, ટ્યુબ અથવા રેલ્વે સ્ટેશન, ટ્રામ સ્ટોપ અથવા રીવર બસ પીઅરથી તેનું કાર્ડ અપડેટ કરાવી શકશે.
ગયા મહિને TfL એ ગ્રાહકો સરળતાથી પે એઝ યુ ગો બેલેન્સ ચેક કરી શકે અને સ્માર્ટફોન પર કાર્ડ ટોપ અપ કરાવી શકે તે માટે તેનું નવું એપ્લીકેશન લોંચ કર્યું હતું. આ નવું એપ એપલ પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર દ્વારા ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. એક લાખથી વધુ ગ્રાહકો આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. પ્રથમ છ અઠવાડિયાના વપરાશના તારણ મુજબ ગ્રાહકોએ સ્ટ્રેટફર્ડ, કિંગ્સ ક્રોસ અને લીવરપૂલ સ્ટ્રીટ સ્ટેશનો પરથી વધુ ઉપયોગ કર્યો છે. આ એપથી ગ્રાહકો છેલ્લા આઠ અઠવાડિયાની જર્ની હિસ્ટ્રી જોઈ શકે છે, ઓયસ્ટર કાર્ડ પર પે એઝ યુ ગોની ક્રેડિટ જોઈ શકે છે. હવેથી કાર્ડમાં લો બેલેન્સની સૂચના પણ ગ્રાહકોના ફોન પર સીધી જશે જેથી તે ટ્રાવેલ કરે તે પહેલા પૂરતું બેલેન્સ કરાવી શકશે.