લંડનઃ કોરોના વાઇરસનો અત્યંત ચેપી પ્રકાર VUI-202012/01 સામે આવતાં બ્રિટનમાં હાહાકાર મચી ગયો છે. નવા પ્રકારનો ચેપ ઝડપથી પ્રસરે નહિ તેના સાવચેતીના પગલાં તરીકે લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં રવિવાર, ૨૦ ડિસેમ્બરની મધરાતથી ૩૦ ડિસેમ્બર સુધી લોકડાઉન (નવું ટીયર-૪) લાદવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી તેની સમીક્ષા કરવામાં આવશે. ગત એક સપ્તાહમાં લંડનમાં કોરોનાનું સંક્રમણ બમણું થયું છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે રવિવારે કબૂલાત કરી હતી કે કોરોના વાઇરસનો નવો પ્રકાર સામે આવવા સાથે પરિસ્થિતિ બેકાબુ બની છે. ક્રિસમસ તહેવારની ઊજવણી માટે અપાયેલી તમામ છૂટછાટ પણ પાછી ખેંચી લેવાઈ છે. લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડ તેમજ વેલ્સમાં નવા ટીયર-૪ નિયંત્રણોના કારણે ૨૧ મિલિયનથી વધુ લોકોએ હવે ઘરમાં જ રહેવું પડશે. બીજી તરફ, સ્કોટલેન્ડે તહેવારો દરમિયાન દેશમાં આવવા અને બહાર જવા પર પ્રવાસ પ્રતિબંધ લાદી દીધો છે જ્યારે વેલ્સમાં પણ નેશનલ લોકડાઉન ફરી અમલી બનાવાયું છે. નવા સંક્રમણને ધ્યાનમાં લઈ યુરોપના દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ અને ટ્રેનો પર પ્રતિબંધ લાદી દીધો છે. બીજી તરફ, બ્રિટિશ મિનિસ્ટર્સે સ્વીકાર્યું છે કે ક્રિસમસ અગાઉ જ લદાયેલા નવાં લોકડાઉન પગલાં હજુ મહિનાઓ સુધી અમલમાં રાખડા પડી શકે છે.
લંડનના રેલવે સ્ટેશનો પર ભારે ભીડ
યુકેમાં ૨૩થી ૨૭ ડિસેમ્બર સુધી લોકોને ક્રિસમસ બબલ બનાવવા મંજૂરી મળવાની હતી. દરેક બબલમાં ૩ પરિવાર સાથે મળીને સેલિબ્રેટ કરી શકે તેમ હતું પરંતુ, વાઈરસનો નવો ૭૦ ટકા વધુ ચેપી પ્રકાર દેખાયા પછી ક્રિસમસની ઊજવણી પર રોક લાગી છે. લોકડાઉનની જાહેરાત સાથે જ શનિવારે લંડન અને આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોએ લગભગ હિજરત આરંભી હતી. લંડનથી બહાર જવા માટે લોકો જે મળ્યું તે વાહનમાં સવાર થઇને શહેર છોડવા લાગ્યા હતા. રેલવે સ્ટેશનો પર પણ ભારે ભીડ જામી હતી.
સરકારે લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં ઘરોમાં એકઠાં થવાં પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, સમગ્ર ઇંગ્લેન્ડમાં નાતાલના સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ પણ લદાયો છે. લોકોને પોતાના સ્થાનિક વિસ્તારોમાં જ રહેવાની તાકીદ કરાઇ છે. સરકાર ૩૦મી ડિસેમ્બર બાદ નિયંત્રણો મુદ્દે સ્થિતિની સમીક્ષા પછી નિર્ણય કરશે.
વાઇરસનો નવો સ્ટ્રેન વધુ ખતરનાક
ફાઇઝરની વેક્સિનને ઇમરજન્સી મંજૂરીના પગલે વેક્સિનેશન પ્રોગ્રામ મોટા પાયે હાથ ધરાયા પછી યુકેને કોરોના મહામારી પર જલદી કાબૂ મેળવવાની આશા હતી પરંતુ, કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવતાં ગભરાટની સ્થિતિ ફેલાઈ ગઈ છે. નવા સ્ટ્રેને સૌ પહેલા સપ્ટેમ્બરમાં ઓળખી કઠાયો હતો. સરકારને ઓક્ટોબરથી તેના વિશે જાણકારી હતી પરંતુ, વધુ લોકડાઉનના પગલાંની વિજ્ઞાનીઓ અને ડોક્ટર્સની રજૂઆતોને સરકારે ગણકારી ન હતી. વાઇરસનો આ રહસ્યમય નવો સ્ટ્રેન લંડન અને ઇંગ્લેન્ડના દક્ષિણના ભાગોમાં વધુ જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને VUI-202012/01 તરીકે ઓળખ અપાઇ છે. તે હાલના સ્ટ્રેનની સરખામણીમાં વધુ ઝડપથી મહામારી પ્રસરાવી રહ્યો હોવાનું કહેવાય છે.
લંડન - સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં ટીયર-૪ના નિયંત્રણો
• આરોગ્ય જરુરિયાત અને અત્યંત મહત્ત્વનું કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળવું
• મોટી સંખ્યામાં પરિવારજનોના એકઠાં થવાં પર પ્રતિબંધ
• કોઇ પ્રકારની ક્રિસમસની ઉજવણીઓને પરવાનગી નહિ અપાય
• બિનજરૂરી સામાનની તમામ શોપ્સ, ઇન્ડોર મનોરંજનનાં સ્થળો, હેર સલૂન્સ બંધ રહેશે.
• એક પરિવારની વ્યક્તિ બીજા પરિવારની વ્યક્તિને ખુલ્લી જગ્યામાં મળી શકશે
• કન્ટેનમેન્ટ એરિયામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, કન્ટેનમેન્ટ એરિયાના લોકો અન્ય વિસ્તારમાં રાત રોકાઇ શકશે નહિ
• વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ
ટીયર -૪ લોકડાઉન ક્યાં અમલી?
• લંડન સિટી અને તમામ ૩૨ બરોઝ • કેન્ટ • બર્કશાયર • બેડફર્ડ, સેન્ટ્રલ બેડફોર્ડશાયર, મિલ્ટન કીનીસ, લૂટન, પીટરબરા, • બંકિગહામશાયર • બેડફોર્ડશાયર • લ્યુટન • સરે (વેવર્લી સિવાય) • હર્ટફોર્ડશાયર • ઈસેક્સ (કોલ્ચેસ્ટર, અટલ્સફોર્ડ અને ટેન્ડરિંગ સિવાય) • ગોસપોર્ટ, હેવાન્ટ, પોર્ટ્સમાઉથ, રોધર અને હેસ્ટિંગ્સ બરોઝ
રવિવાર, ૨૦ ડિસેમ્બરની મધરાતથી ઈંગ્લેન્ડની ત્રીજા ભાગની વસ્તી નવેમ્બર લોકડાઉનને સમકક્ષ નવા ટીયર-૪ નિયંત્રણો હેઠળ આવી છે. આ વિસ્તારોના લોકો પોતાના વિસ્તારોમાંથી બહાર જઈ શકશે નહિ કે ક્રિસમસ બબલ્સ પણ બનાવી શકશે નહિ. કોવિડ-૧૯ના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી ટીયર -૧,૨ અને ૩ના વિસ્તારોને પણ ક્રિસમસ બબલ્સ મર્યાદિત રાખવા સૂચના અપાઈ છે.
…તો બ્રિટનની હોસ્પિટલો છલકાશે: જ્હોન્સન
વડા પ્રધાન જ્હોન્સને ક્રિસમસની પાંચ રજામાં લોકડાઉનમાં છૂટછાટ આપવાની યોજના તૈયાર કરી હતી પરંતુ કોરોના વાઇરસનો નવો પ્રકાર VUI-202012/01 બ્રિટિશરોના રંગમાં ભંગ માટે જવાબદાર બન્યો છે. આ સ્ટ્રેન બ્રિટન માટે નવું જ છે અને ધાર્યાં કરતાં વધુ ઝડપથી પ્રસરી શકે છે. જ્હોન્સને જણાવ્યું હતું કે, જ્યારે વાઇરસ પોતાનો પ્રકાર બદલે છે ત્યારે આપણે સંરક્ષણ માટેની પદ્ધતિ પણ બદલવી પડે છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહિ આવે તો કોરોના વાઇરસનો નવો પ્રકાર દેશમાં હાહાકાર મચાવશે, હોસ્પિટલો છલકાઇ જશે અને મોટી સંખ્યામાં મોત થશે. જ્હોન્સને થોડાં દિવસો અગાઉ જ કહ્યું હતું કે કોરોના વાઈરસનું નવું રુપ દુનિયાની સામે આવી ગયું હોય તેમ લાગે છે જે પહેલાં વાઈરસની સરખામણીએ ૭૦ ગણુ વધારે ઝડપથી ફેલાય છે. છેલ્લાં એક સપ્તાહમાં લંડનમાં કોરોનાનું સંક્રમણ બમણું થયું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિસમસના તહેવાર પ્રસંગે જ લંડન અને અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં કડક નિયંત્રણો લાદવાના જ્હોન્સન સરકારના નિર્ણયની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે લોકડાઉન ઇચ્છતા નથી. કાળજી સમસ્યા કરતાં બદતર હોવી જોઇએ નહિ. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા જ્હોન્સનના નિર્ણયને નહિ અનુસરે. ટ્રમ્પ અગાઉ પણ તેઓ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની વિરુદ્ધ હોવાનું જણાવી ચૂક્યા છે.