લંડનઃ સત્તાવાર આંકડા અનુસાર ઈંગ્લેન્ડમાં આગામી પાંચ વર્ષમાં બંધાનારા કુલ મકાનોના અંદાજે અડધા મકાનો માઈગ્રન્ટ્સના નવા પ્રવાહને પહોંચી વળવામાં જશે. યુકેમાં ઊંચા નેટ માઈગ્રેશન દરના કારણે દર વર્ષે નવા ૯૫,૦૦૦ પરિવારોની રચના થશે. આ પરિવારોને રહેવા માટે દૈનિક ૨૬૦ના ધોરણે નવા ૯૪,૯૦૦ મકાનોની પણ જરૂર પડવાની છે.
જોકે, મિનિસ્ટર્સની ગણતરી મુજબ ઈંગ્લેન્ડમાં ૨૦૨૦ સુધીમાં નવા દસ લાખ એટલે કે, વર્ષે ૨૦૦,૦૦૦ મકાનોના નિર્માણનું લક્ષ્ય રખાયું છે. દર વર્ષે ૨૧૭,૦૦૦ માઈગ્રન્ટ્સ યુકે આવે તેવી ધારણા છે. ૧૯૭૦ના દાયકા પછી નવા મકાનોની અછતની કટોકટી સૌથી ગંભીર ગણાય છે, જેના પરિણામે મકાનોની કિંમતોમાં વિક્રમી વધારો થવાથી પ્રથમ વખત ઘર ખરીદનારાને ભારે તકલીફ પડે છે.