લંડનઃ વડા પ્રધાન કેમરન આ પાર્લામેન્ટમાં યુરોપ અને વેલ્ફેર સંબંધિત પોતાની નીતિઓ પસાર કરાવવાની ઝૂંબેશના ભાગરુપે લોર્ડ્સ ગૃહમાં ૩૫ કન્ઝર્વેટિવ્ઝને સ્થાન આપવાની તૈયારી કરી રહ્યા છે. કોમન્સમાં માત્ર આઠ સાંસદ ધરાવતા લિબરલ ડેમોક્રેટ્સને આશરે ડઝન અને લેબર પાર્ટીના અંદાજે છ સભ્યને ઉમરાવપદ મળવાની સંભાવના છે. આગામી સપ્તાહે નવા ઉમરાવોની નામાવલિ જાહેર થવાની શક્યતા છે. કોમન્સમાં પાતળી બહુમતી હોવા છતાં લોર્ડ્સમાં કેમરનને મુશ્કેલી નડી શકે છે.
જોકે, વડા પ્રધાનને કેટલા ઉમરાવ પસંદ કરવા દેવાય તેના વિરોધ મધ્યે યાદીમાં વિલંબ પણ થઈ શકે છે. કેટલાક કેબિનેટ મિનિસ્ટર્સ દ્વારા તમામ પક્ષોમાંથી કુલ ૧૦૦ જેટલા નામ પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ સીનિયર સિવિલ સર્વન્ટ્સના વિરોધના કારણે નવા ઉમરાવની કુલ સંખ્યા ૪૦થી ૫૦ સભ્યની હોઈ શકે છે. ગઠબંધન સરકારના પાંચ વર્ષમાં આપેલા સહયોગના બદલારુપે લિબરલ ડેમોક્રેટ્સને ૧૦થી ૧૨ ઉમરાવપદ આપવાનું વચન વડા પ્રધાને નિક ક્લેગને આપ્યું હોવાનું કહેવાય છે.
હાલ લોર્ડ્સમાં ૨૨૭ કન્ઝર્વેટિવ્ઝ, ૨૧૩ લેબર, ૧૦૨ લિબ ડેમ્સ, ૨૬ બિશપ અને ૩૮ અપક્ષ અને અન્ય પક્ષોનાં ઉમરાવો ઉપરાંત, ૧૮૦ ક્રોસબેન્ચર્સ છે. ગત સપ્તાહે લેબર અને લિબ ડેમ્સના ઉમરાવો ચૂંટાયેલા મેયર વિના શહેરોને વધુ સત્તા મળી શકે તે સહિત વિકેન્દ્રીકરણ મુદ્દે ટોરીઝને પરાજિત કર્યા હતા. જો ૫૦ની યાદી પણ મંજૂર થાય તો લોર્ડ્સની સંખ્યા ૭૮૬થી વધીને ૮૩૦ કરતા પણ ઉંચે જશે, લોર્ડ્સમાં ટોરી નેતા પણ આને ઘણી વધુ માને છે. ડાઉનિંગ સ્ટ્રીટ ચૂટણીમાં મુખ્ય રાજકીય પક્ષોને પ્રાપ્ત મતનો હિસ્સો હાઉસ ઓફ લોર્ડ્સમાં પણ સ્પષ્ટ દેખાય તે માટે કટિબદ્ધ છે. મેની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્ઝનો મતહિસ્સો ૩૬.૯ ટકા, લેબર પાર્ટીનો ૩૦.૪ ટકા હતો. આ ગણતરી અનુસાર ટોરીઝના ૨૯૦ ઉમરાવ થાય એટલે કે ૬૩નો વધારો, જ્યારે લેબર પાર્ટીને પાર્લામેન્ટના કાર્યકાળ દરમિયાન વધુ ૨૦ ઉમરાવ મળી શકે. જોકે, સંભવિત વર્તમાન યાદીમાં લેબર પાર્ટીને માત્ર છ ઉમરાવનો વધારો મળશે.