લંડનઃ વર્ષોથી વિલંબમાં મૂકાયલી લંડનની પ્રથમ નાઈટ ટ્યૂબ સેવાના આરંભે જ ૫૦,૦૦૦ પ્રવાસીએ તેનો લાભ લીધો હતો. સેન્ટ્રલ અને વિક્ટોરિયા લાઈન્સ પર નાઈટ ટ્રેન સેવા આરંભાઈ હતી. નાઈટ ટ્યૂબથી લંડનના અર્થતંત્રને વર્ષે ૭૭ મિલિયન પાઉન્ડનું ઉત્તેજન મળશે અને વહેલી સવારે કે મોડી રાત્રિની પાળીમાં કામ પર જનારાં વર્ગને લાભકારી નીવડશે. આ સાથે ૨,૦૦૦ જેટલી કાયમી નોકરીને સપોર્ટ મળશે.
સૌથી વધુ વ્યસ્ત સ્ટેશનોમાં એક ઓક્સફર્ડ સર્કસ સ્ટેશને ૬,૫૦૦ પ્રવાસી તથા સ્ટ્રેટફર્ડ સ્ટેશને ૪,૨૫૦ રાત્રિ પ્રવાસી નોંધાયાં હતાં. લંડનના મેયર સાદિક ખાને પ્રથમ વિક્ટોરિયા લાઈન નાઈટ ટ્યૂબ પર વહેલી સવારે બ્રિક્સટનથી પ્રવાસ કરી નવી સેવા લોન્ચ કરી હતી. ખાને જણાવ્યું હતું કે ‘હવે હજારો લંડનવાસીઓ રાત્રિ દરમિયાન ઝડપી અને સરળ યાત્રાનો લાભ મેળવી શકશે. નાઈટ ટ્યૂબ આપણી રાજધાનીને ભારે પ્રોત્સાહન આપશે.’
નાઈટ ટ્યૂબ સેવા પ્રવાસનો સમય સરેરાશ ૨૦ મિનિટ અને કેટલાક કિસ્સામાં એક કલાકથી વધુ ઘટાડશે. શુક્રવાર અને શનિવારની રાત્રે પ્રવાસીઓની સંખ્યા આશરે ૭૦ ટકા વધી છે, જ્યારે નાઈટ બસમાં પ્રવાસની માગ ૧૭૦ ટકા વધી છે તેવાં સંજોગોમાં નાઈટ ટ્યૂબ સેવાની માગણી લાંબા સમયથી થતી આવી છે. પેસેન્જર ડેટા અનુસાર નાઈટ બસપ્રવાસનો ઉપયોગ કરનારા ૫૦ ટકાથી વધુ પ્રવાસી કામે જનારા અથવા કામથી પરત થનારાં લોકો હતાં, જેમને નાઈટ ટ્યૂબથી સીધો લાભ થશે. સેન્ટ્રલ લંડનથી રાત્રિના ૦૦.૩૦થી સવારના ૫.૩૦ દરમિયાન દર કલાકે છ ટ્રેનનો લાભ મળશે.