લંડનઃ આગામી પાર્લામેન્ટમાં લેબર પાર્ટીની સરખામણીએ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ચૂંટાયેલા વંશીય લઘુમતીના સાંસદોની સંખ્યા વધુ હશે તેમ થિન્કટેન્ક બ્રિટિશ ફ્યુચરના અભ્યાસમાં જણાવાયું છે. હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશ મેળવનારા નવા બ્લેક અને એશિયન સાંસદોમાં પાંચમાંથી ત્રણ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી હોવાની સંભાવના અભ્યાસે દર્શાવી છે. જોકે, લિબરલ ડેમોક્રેટ્સ માટે સ્થિતિ બદલાશે નહિ. સંસદમાં તેના કોઈ બિનગોરા સાંસદ નથી. ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસના સહસ્થાપક અને ઉદ્યોગપતિ નારાયણમૂર્તિના જમાઈ રિશી સુનાકને કન્ઝર્વેટીવ પાર્ટીના પૂર્વ ફોરેન સેક્રેટરી વિલિયમ હેગની બેઠક રિચમન્ડ માટે ઉમેદવારી કરાવાશે. એશિયન સાંસદ માટે આ એક મહત્ત્વની પસંદગી છે.
નિષ્ણાતો માને છે કે ચૂંટણીનું પરિણામ ગમે તે હોય, આગામી પાર્લામેન્ટમાં ૪૦-૪૫ની સંખ્યા સાથે વંશીય લઘુમતી વર્ગના સાંસદોનું પ્રમાણ સૌથી વધુ રહેશે. આના પરિણામે, ભવિષ્યમાં બ્લેક અથવા એશિયન વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થશે. ડેવિડ કેમરન માટે સૌથી સારું પરિણામ કન્ઝર્વેટિવ બહુમતી હશે અને વંશીય લઘુમતીના ૧૯ સાંસદ સાથે તે લેબર પાર્ટી કરતા આગળ નીકળી જશે. અત્યારે ટોરી પાર્ટીના કુલ ૧૧ બ્લેક અને એશિયન સાંસદ છે, જ્યારે લેબર પાર્ટીના ૧૬ સાંસદ છે. આધુનિક બ્રિટનનું પ્રતિનિધિત્વ કરવા પાર્લામેન્ટમાં આશરે ૬૫ બ્લેક અને એશિયન સાંસદની જરુર હોવાનું થિન્ક ટેન્ક માને છે.
‘ક્લાસ ઓફ ૨૦૧૫’માં સમાવેશ થવાની ધારણા છે તેમાં ભારતીય મૂળના પૂર્વ બિઝનેસ એક્ઝીક્યુટિવ રિશી સુનાક છે, જેમની પસંદગી નોર્થ યોર્કશાયરના રિચમન્ડથી ઉમેદવારી કરવા થઈ છે. આ બેઠક પૂર્વ ફોરેન સેક્રેટરી વિલિયમ હેગ ખાલી કરી રહ્યા છે. ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના એમબીએ સ્નાતક રિશી સુનાક એક બિલિયન પાઉન્ડની ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સહસ્થાપક છે. તેમની કંપની લઘુ બ્રિટિશ બિઝનેસોમાં મૂડીરોકાણ કરવાની વિશેષતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના આ વિશેષ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવાથી હું ઘણો ખુશ છું.