લંડનઃ ઈઝલિંગ્ટન કાઉન્સિલ દ્વારા લંડનની જાણીતી અને સૌથી મોટી નાઈટક્લબોમાંની એક ફેબ્રિકનું લાયસન્સ રદ કરાતા તે કાયમીપણે બંધ કરી દેવાઈ છે. ઈઝલિંગ્ટન કાઉન્સિલે જણાવ્યા અનુસાર ફેરિંગ્ડનમાં આવેલી ક્લબ તેના પ્રીમાઈસીસમાં ગેરકાયદે ડ્રગ્સનું ખરીદ અને વેચાણ અટકાવી શકી ન હતી. જોકે, ક્લબે જણાવ્યું છે કે લાઈસન્સ રદ કરવાના કાઉન્સિલના નિર્ણય સામે તે અપીલ કરશે.
તાજેતરમાં નવ સપ્તાહના ગાળામાં જ આવી ડ્રગ્સના સેવનથી બે તરુણના મોત નીપજ્યાં હતાં. ફેબ્રિકે આ મોતને ટ્રેજેડી ગણાવ્યાં હતાં. ગુપ્ત પોલીસ ઓપરેશન્સમાં જણાયું હતું કે લોકો ખુલ્લેઆમ ગેરકાયદે ડ્રગ્સ ખરીદતાં અને ઉપયોગ કરતા હતા, જેની જાણ ક્લબના સ્ટાફને પણ હતી. બીજી તરફ, ક્લબને બંધ થતી અટકાવવા પિટિશનમાં ૧૫૦,૦૦૦થી વધુ લોકોએ સહી કરી છે. લંડનના રાજકારણીઓ અને સંગીતકારો પણ ક્લબને બંધ થતી અટકાવવા મેદાનમાં આવ્યા છે. તેમણે ક્લબને લંડનની ઈન્સ્ટિટ્યુશન ગણાવી કહ્યું હતું કે તેને ખુલ્લી રાખવા તમામ પ્રયાસ થવાં જોઈએ. લંડનના મેયર સાદિક ખાન અને ઈઝલિંગ્ટનના સાંસદ એમિલી થોર્નબેરી પણ ક્લબ ખુલ્લી રહે તેના સમર્થનમાં છે.
જોકે, ક્લબના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કાઉન્સિલના નિર્ણય સામે અપીલ કરશે. ક્લબે જણાવ્યું હતું કે આ સ્થળને બંધ કરવું તે ડ્રગ્સ સંબંધિત સમસ્યાનો ઉત્તર નથી અને તેનાથી રાજધાનીના રાત્રિજીવન માટે ખોટી પ્રથા સ્થાપિત થશે.