લંડનઃ ભારતના નાણા પ્રધાન અરુણ જેટલીએ સોમવાર, ૨૭ ફેબ્રુઆરીએ બકિંગહામ પેલેસ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા આયોજિત યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના લોન્ચિંગના ભવ્ય રીસેપ્શનના પ્રસંગે ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. નાણા પ્રધાન જેટલી શુક્રવાર,૨૪ ફેબ્રુઆરીથી મંગળવાર,૨૮ ફેબ્રુઆરી સુધી યુકેની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે FICCI ના પ્રમુખ અને ઝાયડસ કેડિલા હેલ્થકેરના CMD પંકજ આર પટેલે સીઈઓ ડેલિગેશનનું વડપણ કર્યું હતું. જેટલીએ યુકેના ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનની મુલાકાત પણ લીધી હતી.
આ ઉપરાંત, જેટલીએ 100 Foot Journey Club ની ઈનિશિયેટિવના ભાગરુપે LSE સાઉથ એશિયા સેન્ટર અને ભારતીય હાઈ કમિશન દ્વારા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ખાતે મેળાવડાને સંબોધન કર્યું હતું. સોમવારે જેટલીએ લંડન સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ માર્કેટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી, ફિક્કીના પ્રતિનિધિઓ, ફિન્ટેક કંપનીઓ અને અગ્રણી રોકાણકારો વચ્ચે ગોળમેજી ચર્ચા યોજાઈ હતી, જેમાં ફિન્ટેક ઈકોસિસ્ટમ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ ઊર્જા અને સ્માર્ટ સિટીસના વિકાસમાં ભારતના પાર્ટનર તરીકે લંડનની ભૂમિકાના મુદ્દા મુખ્ય હતા.
નાણા પ્રધાન જેટલીએ મંગળવારે જેપી મોર્ગન વડા મથકે ઈન્વેસ્ટર્સ મીટિંગમાં હાજરી, ચાન્સેલર ફિલિપ હેમન્ડ સાથે મુલાકાત પછી કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝ (CBI) દ્વારા આયોજિત બેઠકમાં ભારતમાં બિઝનેસ કરતા અથવા બિઝનેસ કરવામાં રસ ધરાવતા યુકે ઈન્ડસ્ટ્રીઝના સીઈઓ સાથે વાતચીત કરી હતી.
બ્રેક્ઝિટ પછી ભારત-યુકે સંબંધો, ડીમોનેટાઈઝેશન સહિતના મુદ્દા છવાયા
વિવિધ બેઠકો અને મેળાવડા તેમજ પ્રેસ સાથેની મુલાકાતોમાં નાણા પ્રધાને બ્રેક્ઝિટ પછી ભારત-યુકેના સંબંધો, ડીમોનેટાઈઝેશન, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ભારતના ખુલ્લાં અર્થતંત્ર વિરુદ્ધ સરકારી રક્ષણવાદ, ભારતના રાજ્યો વચ્ચે સંઘીય સ્પર્ધાત્મકતા, યુકેમાં વિદેશી વિદ્યાર્થીઓનું મહત્ત્વ, વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં આવકાર, ભારતીય યુનિવર્સિટીઓમાં વાણીસ્વાતંત્ર્ય તેમજ બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણ સહિતના વિષયોને આવરી લીધા હતા.
લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ખાતે બ્રેક્ઝિટ વિશે સંબોધન કરતા જેટલીએ કહ્યું હતું કે બે દેશ વચ્ચે આર્થિક સંબંધોના વિસ્તારની વાત આર્ટિકલ-૫૦ના આરંભ પછી બ્રેક્ઝિટ વાટાઘાટો પૂર્ણ થવાના પગલે બ્રિટન અન્ય વાટાઘાટોમાં કાયદેસર આગળ વધી શકે તેવી પરિસ્થિતિ સર્જાયા પછી જ આગળ વધારી શકાશે.
તાજ હોટેલ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જેટલીએ જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ પછીની પરિસ્થિતિમાં ભારત વિશે ભારે રસ છે. રોકાણકારો અને સરકાર ભારત સાથે વેપાર વધારવા ઉત્સુક છે. તાજેતરના ડીમોનેટાઈઝેશનને સૌથી સારી કરન્સી રીપ્લેસમેન્ટ પ્રક્રિયા ગણાવતા તેમણે કહ્યું હતું કે ‘ડિજિટલ ઈકોનોમી જીડીપીની વૃદ્ધિ અને ગ્રામીણ વિકાસ માટે ચાવીરુપ બની રહેશે. અમારો ઉદ્દેશ ૨૦૧૮ સુધીમાં તમામ ગામોનું વીજકરણ, ૨૦૧૯ સુધીમાં પાકા રસ્તાઓ અને ૨૦૨૨ સુધીમાં હાઉસિંગ પૂર્ણ કરવાનો છે.’
ભારત મહત્ત્વની ‘બ્રેઈન બેન્ક’
સાઉથ એશિયા સેન્ટરના ડિરેક્ટર મુકુલિકા બેનરજી ઉપરાંત ઓડિયન્સમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. નાણા પ્રધાને ભારતને મહત્ત્વની ‘બ્રેઈન બેન્ક’ ગણાવતા કહ્યું હતું કે હું ‘ભારતીયો માત્ર ભારત માટે’ જેવા સૂત્રોમાં માનતો નથી. હું કોલેજમાં હતો ત્યારે બ્રેઈન ડ્રેઈનની વાતો થતી હતી. આજે ભારતીયો વિશ્વના વિવિધ અર્થતંત્રોમાં વર્ચસ ધરાવે છે.’
યુકેના આંતરરાષ્ટ્રીય વેપારના સેક્રેટરી ડો. લિઆમ ફોક્સ MP એ જણાવ્યું હતું કે,‘યુકે-ભારત ઈન્વેસ્ટમેન્ટ સંબંધો વિશેષ મહત્ત્વપૂર્ણ છે. યુકે માટે ભારત હવે ત્રીજા નંબરનું સૌથી મોટુ રોકાણકાર અને બીજા નંબરનું રોજગાર સર્જક છે. બીજી તરફ, ભારતમાં યુકે સૌથી મોટું જી-૨૦ રોકાણકાર છે અને ભારતીય વર્કફોર્સમાં કૌશલ્ય નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ધરાવે છે.’