લંડનઃ નાના બાળકને એકલા ઘેર મૂકી બહાર જવા બદલ દરરોજ એક પેરન્ટની ધરપકડ થાય છે તેમ કોઈ કહે તો તમે માનશો નહિ. જોકે, બ્રિટનમાં આ હકીકત છે. સર્વે અનુસાર ૨૦૧૪ના છેલ્લાં ત્રણ મહિનામાં નાના બાળકને કોઈની દેખરેખ વિના જ ઘરમાં એકલા મૂકી જનારા ઓછામાં ઓછાં ૧૦૫ માતા-પિતા સામે પોલીસ તપાસની શક્યતા છે.
ઘેર એકલા છોડી જવાયા હોય તેવા બાળકોની વય થોડા સપ્તાહથી માંડી ૧૪ વર્ષ સુધીની જણાઈ છે. કેટલા વર્ષના બાળકને કેટલા સમય સુધી એકલા ઘેર મૂકી જવાય તે બાબતે કાયદો સ્પષ્ટ નથી. આ મુદ્દા વિવાદાસ્પદ છે. જોકે, કાયદો એક બાબતે સ્પષ્ટ છેકે બાળકો જોખમમાં મૂકાય તેવી પરિસ્થિતિમાં તેમને ઘેર મૂકી જવાય નહિ. આ સંજોગોમાં મા-બાપ સામે ક્રૂરતા અને બેદરકારી બદલ ધરપકડ સહિતની કાર્યવાહી થઈ શકે છે. એક કિસ્સામાં બાળકોને થોડી જ મિનિટો સુધી એકલા મૂકી બહાર જનારી માતાની ધરપકડ થઈ હતી, જ્યારે બાળકોને એકલા મૂકી થોડા સપ્તાહ સુધી ઓસ્ટ્રેલિયા જતી રહેલી માતાને સસ્પેન્ડેડ જેલની સજા પણ કરાઈ હતી.
વિચિત્રતા એ છે કે આઠ વર્ષનું બાળક એકલું સ્વિમિંગ માટે જઈ શકે છે, પરંતુ તેને ઘેર એકલા મૂકીને જવાય નહિ. લિબરલ ડેમોક્રેટ સાંસદ જ્હોન હેમિંગે આ મુદ્દે સરકાર પાસે સ્પષ્ટતા પણ માગી હતી.