લંડનઃ હાઉન્ડ ઓફ હંસલોના ઉપનામે ઓળખાતો બ્રિટિશ ટ્રેડર નાવિન્દર સરાઓ પણ ઠગબાજીનો શિકાર બન્યો હોવાનો દાવો તેના વકીલોએ કર્યો છે. સરાઓ સામે માર્કેટ મેનિપ્યુલેશનના ૨૨ ગુના મૂકાયા છે અને તેને યુએસમાં પ્રત્યાર્પણ પછી આજીવન કે ૩૮૦ વર્ષની મહત્તમ જેલ થઈ શકે છે.
વેસ્ટ લંડનના નાવિન્દરે યુએસ સ્ટોક બજારમાં એક ટ્રિલિયન ડોલર (૫૬૦ બિલિયન પાઉન્ડ)નું ધોવાણ કરી નાખ્યું હતું અને પાંચ જ મિનિટમાં પોતાના માટે ૫૫૦,૦૦૦ પાઉન્ડનો નફો મેળવ્યો હતો. શિકાગોની કોર્ટે તેને ૨૫.૭ મિલિયન પાઉન્ડ પાછા ચુકવવા આદેશ કર્યો હતો પરંતુ, તેના વકીલોએ દાવો કર્યો છે કે તેની પાસેની રોકડ રકમનું રોકાણ કરાયું હતું અને તેને કેશ પાછી મળે તેમ નથી. આ નાણા ગોલ્ડ, વિન્ડ ફાર્મ્સ અને કોમ્પ્યુટર ગેમ્સનું ટ્રેડિંગ કરતી કંપનીઓમાં ફસાયા છે, જે હવે નાદાર બની ગઈ છે. સરાઓએ ઘરમાંથી જ ટ્રેડિંગ કરીને લાખો પાઉન્ડ બનાવ્યાનું અને બે ઓફશોર એકાઉન્ટ સ્થાપ્યા હોવાનું કહેવાય છે.
સરાઓએ ૨૦૧૨માં ૩૨ મિલિયન ડોલર (૨૫.૬ મિલિયન પાઉન્ડ)નું રોકાણ જિસસ એલેજાન્ડ્રો ગાર્સીઆ આલ્વારેઝની કંપનીમાં ૧૧ ટકાના જોખમરહિત રિટર્નની ખાતરી સાથે કર્યું હતું. ૧૫ મિલિયન ડોલર (૧૧.૯ મિલિયન પાઉન્ડ)નું રોકાણ આઈલ ઓફ મેનની વિન્ડફાર્મ્સ માટે જમીનો ખરીદતી ક્રેનવૂડ હોલ્ડિંગ્સમાં કર્યું હતુ. તેણે ધરપકડ અગાઉ, ૨૦૧૪માં ૪.૧ મિલિયન ડોલર (૩.૨ મિલિયન પાઉન્ડ)નું રોકાણ આઈકોનિક વર્લ્ડવાઈડ ગેમિંગમાં કર્યું હતું. આ કોઈ નાણા પાછા આવે તેમ નથી.